છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મનરેગા યોજનામાં રૂ.૫૦ લાખના ખર્ચ પછી પણ ૧૦ જેટલી આંગણવાડીઓ અધુરી રહી છે. સરપંચો પર દબાણ કરીને કામગીરી કરાવ્યા બાદ પણ તેમને નાણાં ચુકવવામાં આવતા નથી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની બેદરકારીના કારણે નસવાડી તાલુકાની આંગણવાડીઓ અધુરી રહેતા નાના ભુલકાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નસવાડીના આીદવાસી તાલુકામાં અધિકારીઓના રાજના કારણે નાના ભુલકાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નસવાડી તાલુકામાં મનરેગા યોજનામાં આંગણવાડીના નવા મકાન બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા મંજુરી આપી હતી. જયારે બે વર્ષ સુધી એજન્સી દ્વારા મટીરીયલ સપ્લાય કરાયુ ન હતુ. ત્યારે સરપંચો પાસે અધિકારીઓ દ્વારા આંગણવાડી બનાવવા માટે દબાણ કરાયુ હતુ.સરપંચોએ પોતાના નાણાં ખર્ચીને આંગણવાડીના કામ પુરા કર્યા હતા. કેટલાક કામો અધુરા રહ્યા હતા. ત્યારે બે વર્ષ બાદ નસવાડી તાલુકા પંચાયતે એજન્સી નકકી કરી હતી. પરંતુ રાજય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી મનરેગા યોજનામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે નસવાડી તાલુકાને ઓછી ગ્રાન્ટ ફાળવી હતી. જયારે અન્ય તાલુકાઓમાં વધુ ગ્રાન્ટ ફાળવી હતીછ. નસવાડી તાલુકાની આંગણવાડીઓનુ કામ કરનાર સરપંચોને હજુ સુધી નાણાં મળ્યા નથી. કાગળ ઉપર એજન્સી મટીરીયલ સપ્લાય કરે છે. તેવુ બતાવે છે પરંતુ સરપંચોએ બે વર્ષ પહેલા નાણાં ખર્ચીને આંગણવાડીઓઓ બનાવી હતી. તેઓને પૈસા ન મળતા તેમની હાલત કફોડી બની છે. જયારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પાસે સરકારમાંથી ગ્રાન્ટ આવી ત્યારે નસવાડી તાલુકા માટે ઓછી ગ્રાન્ટ ફાળવીને નસવાડી તાલુકા સાથે અન્યાય કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નસવાડીની આંગણવાડીઓના બિલ્ડિંગ અધુરા રહેતા નાના ભુલકાઓ આજે ગામમાં ભાડાના મકાનોમાં બેસીને અભ્યાસ કરે છે. જેની સીધી અસર બાળકોના પાયાના શિક્ષણ પર પડી રહી છે.