
પંચમહાલ જીલ્લામાં પાછલા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ખેતરોના ચાયડા પાણીથી ભરાઈ જતાં ખેડૂતો ઉત્સાહભેર ખેતીકામમાં જોતરાયા હતા.

પંચમહાલ જીલ્લામાં પાછલા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો.સારો એવો વરસાદ થવાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને અસહ્ય બફારાથી તોબા પોકારી ગયેલા જીલ્લાવાસીઓને મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં શ્રાવણી આહલાદક ઠંડક પ્રસરી જતાં લોકોને ચોમાસાની ઋતુનો ખરો અહેસાસ થયો હતો. બીજી તરફ, આ વરસાદ ગ્રામ્ય વિસ્તારોના જગતના તાત માટે અમૃત સમાન સાબિત થયો હતો. જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદને પગલે ખેતરોના ચાયડા પાણીથી લબાલબ ભરાયેલા જોવા મળ્યા હતા. જેને લઈને ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી. વરસાદી માહોલ જામતાં જ ઉત્સાહમાં આવેલા ખેડૂતો પોતાના બળદ અને ટ્રેક્ટર સાથે ખેતીકામમાં જોતરાઈ ગયા હતા.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.