રાજકોટ, રાજકોટના કોઠારીયા રોડ પર જુગાર રમતી વખતે ડખ્ખો થતાં ભરવાડ શખ્સે બાવાજી વૃદ્ધ ને રૂમમાં બંધક બનાવી ફડાકા ઝીંકી ઢીકાપાટુનો મારમારતાં બેભાન થઈ થઈ ગયાં બાદ તેમનું મોત નિપજતાં પરિવારજનોએ આક્ષેપ કરતાં દોડી ગયેલ આજીડેમ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલ ઉમિયા ચોક પાસે જલજીત શેરી નં.૯ માં રહેતાં રતિગીરી મોજગીરી ગોસાઈ (ઉ.વ.૬૨) ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કોઠારીયા રોડ પર રણુંજા મંદિર પાસે આવેલ શિવધારા સોસાયટીમાં રહેતાં સંબંધી મેહુલગીરી ચંદુગીરી મેઘનાથીના ઘરે જુગાર રમવા માટે ગયાં હતાં. જ્યાં તેમની સાથે અન્ય ત્રણ મહિલા સહિત સાત લોકો જુગાર રમી રહ્યા હતાં તેમાં એક ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતો વિરમ ભરવાડ નામનો શખ્સ જુગારમાં રૂપિયા હારી જતાં તેમને રતિગીરીને તમે જુગારમાં ચિટિંગ કર્યું છે.
મને ૨૫ હજાર રૂપિયા આપવા જ પડશે કહીં રૂમ બંધ કરી ફડાકા ઝીંકી ઢીકાપાટુનો મારમારતાં બેભાન થઈ ગયા હતાં અને સારવાર મળે તે પેહલાં જ મોત નિપજતાં પરિવારજનો દોડી ગયાં હતાં. અને ભરવાડ શખ્સે મારમાર્યાના કારણે જ વૃદ્ધ નું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં દોડી ગયેલ આજીડેમ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડયો હતો.વધુમાં મૃતકના જમાઈ રાકેશભાઈ રાવલે જણાવ્યું હતું કે, તેના સસરા રતિગીરી મૂળ અમરેલીના બાદલપુર ગામના વતની છે, અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે અને તેઓ લાંબા સમયથી પરિવાર સાથે રાજકોટમાં રહી છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવતાં હતાં. વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું કે, તેઓ ગઈકાલે જુગાર રમવા ગયાં બાદ તેની સાથે જુગાર રમતાં વિરમ ભરવાડ રૂપિયા હારી જતાં તે પગ નીચે પત્તા છુપાવી ચિટિંગ કર્યું છે કહીં રૂપિયાની માંગણી કરી બેફામ મારમાર્યો હતો અને રૂમ બંધ કરી દેતાં તેમનો શ્ર્વાસ રૂંધાવા લાગતાં બેભાન થઈ ગયા હતાં અને તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે હાલ આજીડેમ પોલીસ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરશે બનાવથી પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.