છોટાઉદેપુર એલ.સી.બી.પોલીસે બે સ્થળેથી રૂ.૧.૧૧ લાખનો દારૂ ઝડપ્યો

છોટા ઉદેપુર જિલ્લા LCBએ રાત્રિ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹1,11,792/- ની કિંમતનો દારૂ અને બે વાહનો સહિત ₹10,61,792/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી, પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત કાર્યરત છે..

જિલ્લા LCBની એક ટીમને પાવીજેતપુરના પાવી ગામ પાસેના કાચા રસ્તેથી XUV 300 ગાડીમાં દારૂ લઈ જવાની બાતમી મળી હતી. વોચ ગોઠવીને GJ 06 PB 8308 નંબરની ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ગાડી છોડીને ભાગી ગયો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી ₹65,760/- ની કિંમતની વિદેશી દારૂની 480 બોટલ મળી આવી હતી.

અન્ય એક બનાવમાં, LCBની બીજી ટીમને દેવરિયા પાસે સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. વોચ દરમિયાન GJ 34 H 7017 નંબરની સ્વીફ્ટ ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો. જોકે, ચાલક ગાડી ભગાવીને આગળ જઈ રાતના અંધારામાં ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. આ ગાડીમાંથી ₹46,032/- ની કિંમતની વિદેશી દારૂની 336 બોટલ મળી આવી હતી.LCB ટીમે બંને સ્થળોએથી કુલ ₹1,11,792/- નો વિદેશી દારૂ અને બે ગાડીઓ સહિત કુલ ₹10,61,792/- નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.