કાંકણપુર પોલીસ સ્ટેશનના મુદ્દામાલ મમાંથી વિદેશી દારૂની પેટીઓ સગેવગે કરી બુટલેગરોને વેચી દેવામાં પંચમહાલના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સી.કે.ચૌહાણે તમામ ૫ આરોપીઓને નિયમિત જામીન પર મુક્ત કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે પોતાના ચુકાદામાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ તપાસ અને મોટા માથાઓને બચાવવાની પેરવી સામે લાલ આંખ કરી છે.
કાંકણપુર પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમ માંથી આશરે રૂ.૧૪ લાખની કિંમતની વિદેશી દારૂની ૮૧૭૦ બોટલો સગેવગે કરી બુટલેગરોને વેચી દેવાના કેસમાં પોલીસે હોમગાર્ડ જવાનો કિશનકુમાર પરમાર, નરેન્દ્રભાઈ બારીયા, વિરલભાઈ ગોહિલ, ગોવિંદભાઈ પરમાર અને અન્ય પ્રવિણસિંહ પગીની ધરપકડ કરી હતી. પાંચ આરોપીઓએ સી.કે.ચૌહાણની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
જામીનની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે, મુદ્દામાલની જાળવણી જેની મુખ્ય અને સીધી જવાબદારી હતી. તેવા કાંકણપુર પોલીસ મથકના મુદ્દામાલ મના ઇન્ચાર્જ એએસઆઇની ગંભીર બેદરકારી હોવા છતાં પોલીસે તેમને આરોપી બનાવ્યા નથી.
વધુમાં તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.ગુર્જર પાસેથી તપાસ આશ્ચર્યજનક રીતે શહેરાના પો.ઇન્સ. એચ.વી.સીસારાને તબદીલ કરાઈ હતી. નવા તપાસ અધિકારીએ પણ કોર્ટ સમક્ષ લેખિતમાં ક્રાઈમ રાઈટર હેડનો બચાવ કરતા જણાવ્યું કે, તેમની કોઈ સંડોવણી નથી.
કોર્ટે નોંધ લીધી કે, મુદ્દામાલ રૂમ માંથી મોટી માત્રામાં દારૂ નો જથ્થો ઓછો થાય ત્યારે ઉચ્ચ અધીકારીઓ દ્વારા સમયાંતરે પોલીસ સ્ટેશન અને મુદ્દામાલનુ નિરીક્ષણ કરવાની જોગાઇ છે.
છતાં આ નિરિક્ષણ દરમ્યાન પણ એસએચઓ કે ઉચ્ચ અધીકારીઓના ધ્યાનમાં આ વાત ન આવી તે આશ્ચયજનક છે. તેમજ પોલીસ સ્ટેશન માંથી દાનો જથ્થો બહાર લઇ જવામાં આવ્યો હોય ત્યારે પી.આઇ. કે.એસ.એચ. ઓને તેની ખબર જ ન પડે તે કલ્પના બહારની વાત છે.
આ અદાલતને એવું જણાય છે કે, અસલી ગુનેગારોને બચાવવા માટે હોમગાર્ડ્સને બલિના બકરા બનાવવામાં આવ્યા છે. કોર્ટ તમામ નબળી કડીને ધ્યાને રાખીને તમામ આરોપીઓને જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જેનાથી સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.