ઝાલોદમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું જૈન મંદિર નજીક કુંભારવાડામાં ભાડાના મકાનમાં ઘટના, પોલીસે તપાસ શરૂ કરી.

ઝાલોદ શહેરના જૈન મંદિર નજીક આવેલા કુંભારવાડા વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ઉમરાલી ગામના રહેવાસી રાહુલ શંકરલાલ પ્રજાપતિ છેલ્લા આશરે છ મહિનાથી ઝાલોદના કુંભારવાડા વિસ્તારમાં રાજુભાઈ ચુનીલાલ પ્રજાપતિના ભાડાના મકાનમાં પોતાની પત્ની સજનાબેન અને માતા સાથે રહેતા હતા. તેઓ ઝાલોદ શહેરમાં શાકભાજીનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, રાહુલભાઈ બપોરે અંદાજે ૨ વાગ્યાના સમયે ઘરે આવી પોતાની પત્નીને મળીને ફરી બહાર ગયા હતા. ત્યારબાદ સાંજે અંદાજે ૪ વાગ્યે તેમની માતા ઘરે પરત ફર્યા હતા. ઘરનું મુખ્ય બારણું અંદરથી બંધ હતું. અનેકવાર બારણું ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા તેમણે લોખંડની બારી પર લાગેલી મચ્છરજાળી હટાવી અંદર નજર કરતાં પુત્રવધૂ સજનાબેન ધાબા પરના હુક સાથે દોરી વડે લટકતી હાલતમાં દેખાઈ આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરનું બારણું અંદરથી બંધ હોવાથી પોલીસે લોખંડની ગ્રીલ કાપીને અંદર પ્રવેશ કર્યો, ત્યારબાદ બારણું ખોલીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

બાદમાં મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ઝાલોદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પરિણીતાએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.