શહેરાની વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલ ચારી ખાતે એમ.જી.વી.સી.એલ દ્વારા વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ અંગે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

શહેરા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની પેટા વિભાગીય કચેરી-૨ દ્વારા ચારી ગામ ખાતે આવેલી વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વીજ સલામતી, ઊર્જા સંરક્ષણ અને જવાબદાર વીજ વપરાશ અંગે જાગૃતિ લાવવાનો હતો.

શહેરા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરી બે દ્વારા વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલ, ચારી ગામ ખાતે વિદ્યાર્થીઓમાં વીજ સલામતી, ઊર્જા સંરક્ષણ અને જવાબદાર વીજ વપરાશ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં વીજળીનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો, વીજ અકસ્માતોથી બચવાના અસરકારક ઉપાયો, વીજ ચોરીના સામાજીક અને આર્થિક દૂષ્પરિણામો, ઊર્જા બચતનું મહત્વ તેમજ જવાબદાર વીજ વપરાશ અંગે સરળ, રસપ્રદ અને જીવંત ઉદાહરણો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને ખાસ સમજાવવામાં આવ્યું હતું કે, તૂટેલા અથવા લટકતા વીજ તારોથી હંમેશા સુરક્ષિત અંતર જાળવવું, ભીના હાથથી કોઈપણ વીજ ઉપકરણને સ્પર્શ ન કરવો, વીજ પોલ કે ટ્રાન્સફોર્મર નજીક રમવું નહીં તેમજ કોઈપણ વીજ અકસ્માત કે જોખમજનક પરિસ્થિતિ જોવા મળે તો તરત જ એમજીવીસીએલને જાણ કરવી સાથે વીજ સલામતીના આ સરળ નિયમોનું પાલન કરીને અનેક અકસ્માતો અટકાવી શકાય છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્માર્ટ મીટરની આધુનિક કાર્યપદ્ધતિ, બિલિંગમાં પારદર્શિતા, રિયલ-ટાઇમ વીજ વપરાશની માહિતી, વીજ બચત માટે તેની ઉપયોગિતા તથા ગ્રાહકોને મળતા વિવિધ લાભો વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત સૌર ઊર્જા, પવન ઊર્જા જેવી પર્યાવરણમૈત્રી અને પુન:પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોના ઉપયોગ દ્વારા હરિત અને સ્વચ્છ ભવિષ્યના નિર્માણમાં દરેક નાગરિકની ભૂમિકા અંગે પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને વધુ જીવંત અને યાદગાર બનાવવા માટે વીજ સલામતી આધારિત પ્રશ્નોત્તરી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા જાગૃતિ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, એમજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.