શહેરાના પાલીખંડાની પીએમ પાલીખંડા પ્રાથમિક શાળામાં ડો. આર. બી. પટેલના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું.

શહેરા તાલુકાના પાલીખંડા ગામ ખાતે આવેલી પીએમ પાલીખંડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રોત્સાહન અર્થે એક ભવ્ય નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લાના લુણાવાડા સ્થિત સુવિધા હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને અગ્રણી સામાજીક કાર્યકર ડો. રમણભાઈ બી. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદહસ્તે શાળાના કુલ ૩૫૩ જ‚રિયાતમંદ અને ઉત્સાહી બાળકોને ફૂલ્સકેપ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેને પગલે બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડો. આર.બી. પટેલે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, કઠોર પરિશ્રમ અને યોગ્ય દિશાના માર્ગદર્શનથી જીવનમાં કોઈપણ મુકામ હાસલ કરી શકાય છે. ભવિષ્યમાં ડોક્ટર બનવા માટે તેમજ અન્ય ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવા માટે અત્યારથી કેવી મહેનત કરવી જોઈએ તેની સરળ ભાષામાં સમજ આપી હતી. આ સાથે જ એક તબીબ તરીકેની સામાજીક જવાબદારી નિભાવતા તેમણે ગામની ઉપસ્થિત મહિલાઓને સ્વાસ્થ્ય અંગે જાગૃત કરી હતી. તેમણે સગર્ભા અને ધાત્રી માતાઓને પ્રસુતિ પહેલાં અને પ્રસુતિ બાદ રાખવાની થતી તકેદારી, પોષણયુક્ત આહાર અને સ્વાસ્થ્ય સંભાળ અંગેની વિશેષ અને અમૂલ્ય માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ સોલંકી જીલ્લા પંચાયત સદસ્ય ,નગરપાલિકા શહેરા ના મહિલા સભ્ય હસીલાબેન બારીયા તેમજ શહેરા નગરપાલિકાના ઉપપ્રમુખ હિંમતસિંહ જે પગી એસ.એમ.સી.ના અધ્યક્ષ તેમજ સભ્યો અને ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમની આભારવિધિ આ શાળાના ઇન્ચાર્જ આચાર્ય જીતુભાઈ પટેલ એ કરવા સાથે પીએમ પાલીખંડા પ્રાથમિક શાળા પરિવાર એ દાતાઓનો આભાર માન્યો હતો. ઇન્ચાર્જ આચાર્ય જીતુભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમની આભારવિધિ આટોપી હતી. તેમણે ડો. રમણભાઈ પટેલ સહિતના તમામ દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવારે દાતાઓની આ ઉમદા સરવાણીને બિરદાવી પ્રશંસા કરી હતી.