છોટાઉદેપુર નગરપાલિકાનો વધુ એક વિવાદિત કિસ્સો બહાર આવ્યો છે. જેમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલી પાસે વીડિયો કોલ કરી અશ્ફાક વલીમહંમદ મકરાણી દ્વારા ધમકી આપી .૨૫ લાખની ખંડણી માંગી હતી. જે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રમુખના પતિ કિશનભાઈ કે.કોલીએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અને આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ મથકમાં કરેલ ફરિયાદમાં કિશનભાઈ કોલીએ જણાવ્યુ છે કે, તા.૨૬ ના રોજ રાત્રિના અશ્ફાક મકરાણીના વકીલ અબ્બાસ ખુંટવાલાના મોબાઈલથી અશ્ફાકે વોટ્સએપ માધ્યમથી કોલ કર્યો હતો. જેમાં ધમકી આપી હતી કે, તમે .૨૫ લાખ આપી દો…નહિ તો તમારા પરિવારને અને આખા સમાજને નુકસાન પહોંચાડીશુ. અને જેમ તમને રાજકારણમાં ધરે બેસી દીધા તેમ તમારા પરિવારના સભ્યોને જેઓ સરકારી નોકરી કરે છે અને આખા સમાજમાં જે લોકો સરકારી નોકરીમાં છે તેમને નોકરીમાંથી ધરે બેસાડી દઈશુ. અને તેમાં જવાબદાર તમે પોતે રહેશો.સમાજમાં તમને કયાંય મોં બતાવવા લાયક પણ નહિ રહેવા દઈએ. આવી ધાક ધમકી આપી ખંડણીની રકમ માંગી હતી. વધુમાં જણાવ્યુ છે કે, આ પહેલા બે ઈસમોને અશ્ફાક દ્વારા અમારે ધરે મોકલેલ અને તેમના મોબાઈલથી અમારા સામે અશ્ફાક સાથે વાત પણ કરી અને અમોને કહ્યુ કે, તમે પ્રમુખપદ પરથી રાજીનામું આપી દો…નહિ તો તમારા પરિવાર અને આખા સમાજના બધા જ નોકરીવાળા ૧૫૦૦ લોકોનુ લિસ્ટ બનાવેલ છે. તે બધા જાતિના દાખલાની તપાસ કરાવીશુ અને બધાને ધરે બેસાડી દઈશુ. આવી ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો છે. જે ફરિયાદ નોંધાતા સમગ્ર છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ભારે સનસનાટી વ્યાપી જવા ૫ામી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.