સંખેડાના ભાટપુરમાંથી ૨૦૦ જેટલા ચામાચિડીયાઓનુ રેસ્કયુ કરાયુ

સંખેડા તાલુકાના ભાટપુર ગામમાં રહેતા ધર્મેશભાઈ પટેલના મકાનમાં છેલ્લા ધણા સમયથી અંદાજે ૨૦૦ જેટલા ચામાચિડીયાઓએ વસવાટ કરી લીધો હતો. જેના કારણે પરિવારને મકાનમાં રહેવામાં મુશ્કેલી પડી રહી હતી. આ અંગે બહાદરપુર એનિમલ રેસ્કયુ ટીમના સચિત પંડિતને જાણ કરવામાં આવતા તેઓ પોતાની ટીમના સભ્યો સંજયભાઈ, લાલાભાઈ અને સુનીલભાઈ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે સતત પાંચથી છ કલાકની ભારે જહેમત બાદ તમામ ચામાચીડિયાઓનુ રેસ્કયુ કરી સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન આરએફઓ રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ જંગલ ખાતાના સ્ટાફ કુલદીપભાઈ હાજર રહ્યા હતા. જંગલ ખાતાના સહયોગથી તમામ ચામાચિડીયાઓને તેમના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુકત કરવામાં આવ્યા હતા. રેસ્કયુ પુર્ણ થયા બાદ ધર્મેશભાઈ પટેલે બહાદરપુર એનિમલ રેસ્કયુ ટીમ તથા જંગલ ખાતાનો આભાર વ્યકત કર્યો હતો. બહાદરપુર એનિમલ રેસ્કયુ ટીમ છેલ્લા ધણા વર્ષોથી સાંપ, પક્ષીઓ તેમજ અન્ય નાના-મોટા વન્ય જીવોનુ સલામત રીતે રેસ્કયુ કરીને તેમને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર કુદરતી વાતાવરણમાં મુકત કરવાની સેવાકિય કામગીરી કરી રહી છે.