–ધોરાવાડા, હાંડિયા, કાસોડી, કુંભરવાડી ગ્રામ પંચાયતોને ઝીરો ગ્રાન્ટ ફળવાતા રોષ
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં વર્ષ-૨૦૨૬/૨૭ માટેની ૧૫ ટકા વિવેકાધિન ગ્રાન્ટના આયોજનમાં મોટાપાયે રાજકિય વગ હોવાનો વિસ્ફોટક આક્ષેપ ઉઠ્યો છે. તાલુકાની ૩૨ ગ્રામ પંચાયતોમાંથી અમુક પંચાયતોને લાખોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. જયારે ધોરાવાડા, હાંડિયા, કાસોડી, કુંભરવાડી ગ્રામ પંચાયતોને એક પિયો પણ ન ફાળવી અન્યાય કરવામાં આવતા સરપંચોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે રોષે ભરાયેલા સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી વર્તમાન આયોજન રદ્દ કરવાની માંગ કરી છે.
આ રજુઆતમાં સરપંચોનો સીધો આક્ષેપ છે કે, જે કામો એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે ત્યાં ૧ લાખથી ૧૦ લાખ સુધીની મોટી ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ જો સરપંચ પોતે કામ કરવા માંગતા હોય તો માત્ર ૬૦,૦૦૦ થી ૭૫,૦૦૦ જેવી નજીવી રકમ ફાળવીને બોર જેવા કામોમાં પણ અન્યાય કરવામાં આવે છે. આ ૫રથી સ્૫ષ્ટ થાય છે કે, વહીવટી તંત્ર અમુક ચોકકસ એજન્સીઓને અને રાજકિય પીઠબળ ધરાવતા માણસોને ફાયદો કરાવવા માટે જ આખુ આયોજન ધડી રહ્યુ છે. ચોંકાવનારી બાબત એ છે કે, તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. તેમ છતાં ત્યાં કોઈ ગ્રાન્ટ ફાળવી નથી. બીજી તરફ રાજકિય રીતે મજબુત ગણાતી પંચાયતોમાં ગ્રાન્ટનો વરસાદ કરાયો છે. શુ સરકારનો પૈસો જનતાની સુખાકારી માટે છે કે પછી મળતિયા એજન્સીવાળાઓના ખિસ્સા ભરવા માટે છે. તેવા વેધક પ્રશ્ર્નો ગ્રામિણ સ્તરે ઉઠી રહ્યા છે. આ સાથે સરપંચોએ ચિમકી ઉચ્ચારી છે કે, વસ્તીના ધોરણે ગ્રાન્ટની ન્યાયિક વહેંચણી થવી જોઈએ. જો આ અન્યાયી આયોજન રદ્દ કરીને તમામ પંચાયતોને સમાન ન્યાય આપવામાં નહિ આવે તો આગામી સમયમાં ગ્રામજનોને સાથે રાખીને ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની અને રોડ પર ઉતરવાની ફરજ પડશે.