RE-NEET (UG) પરીક્ષાના સુચારુ સંચાલન માટે પંચમહાલ જિલ્લામાં નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશ માટેનું જાહેરનામું

પંચમહાલ, બુધવાર પંચમહાલ જિલ્લામાં આગામી તા.૨૧/૦૬/૨૦૨૬ ને રવિવારના રોજ RE-NEET (UG) પરીક્ષા-૨૦૨૬ યોજાનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ખલેલ વગરના વાતાવરણમાં પાર પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

જે અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૬ નારોજ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક સુધી જીલ્લાના નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો લાગુ રહેશે. જે અન્વયે પરીક્ષા કેન્દ્રોની ચારેય દિશાના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓ અને ફરજ પરના અધિકૃત સ્ટાફ સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓની અવર-જવર પર સદંતર પ્રતિબંધ રહેશે.પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ પુસ્તકો, કાપલીઓ કે ઝેરોક્ષ નકલો લઈ જવા પર મનાઈ છે. (રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા અધિકૃત સાદા કેલ્ક્યુલેટર સિવાય) .પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ કોપીઅર અને ફેક્સ મશીન સંચાલકોએ પરીક્ષાના સમયે (સવારે ૧૦:૦૦ થી સાંજના ૧૮:૦૦ સુધી) મશીનો સદંતર બંધ રાખવાના રહેશે.પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ મીટરની ત્રિજ્યામાં લાઉડસ્પીકર, ભૂંગળા, બેન્ડવાજા, રેડિયો કે ઘોંઘાટ કરતા અન્ય ઓડિયો પ્લેયર્સ વગાડવા પર સદંતર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે,જીલ્લામાં કુલ ૫ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા,સરકારી પોલીટેકનિક કોલેજ, ગોધરા(ગદુકપુર ગામ પાસે),એમ એન્ડ એમ મહેતા હાઈસ્કુલ, ગોધરા,પી.એમ જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર, કાલોલ,પી.એમ કેન્દ્રીય વિદ્યાલય, ગોધરા, ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે