દે.બારીઆ પાલિકામાં સફાઈ માટે નવી એજન્સીને કામ સોંપાયા બાદ એજન્સી દ્વારા વર્ષો જુના સફાઈ કર્મીઓને અચાનક છુટા કરી દેવાતા આવા કર્મચારીઓની રોજગારી સામે સવાલો ઉભા થયા છે. જેને લઈને પાલિકાનો સફાઈ વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. કોન્ટ્રાકટર અને સફાઈ કર્મચારીઓની આંતરિક ખેંચતાણમાં નગરમાં નિયમિત સફાઈ નહિ થતાં નગરજનોને ભોગ બનવુ પડ્યુ છે.
દે.બારીઆ પાલિકાનો સફાઈ વિભાગ છેલ્લા ધણા સમયથી વારંવાર વિવિધ વિવાદોના કારણે ચર્ચામાં રહ્યો છે. સફાઈ વ્યવસ્થાને લગતા પ્રશ્ર્નો ઉભા થતાં તેની સીધી અસર સામાન્ય નગરજનો પર પડી રહી હોવાનુ જોવા મળી રહ્યુ છે. કયારેક પગારના વલખા અને કયારેક કામગીરી માટે થતી માથાકુટના કારણે કોન્ટ્રાકટર અને સફાઈ કર્મચારીઓ વચ્ચેના મતભેદો કે આંતરિક વિવાદોના કારણે સફાઈ કામગીરી ખોરવાતી જોવા મળી હતી. નગરજનો નિયમિત વેરા ભરતા હોવા છતાં સ્વચ્છતાં જેવી પાયાની સુવિધા મળતી નથી. વિવિધ વિસ્તારોમાં સમયસર નિયમિત સફાઈ નહિ થવાના કારણે કચરા અને ગંદકીના ઢગલા જોવા મળતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરની સામાન્ય સભામાં સફાઈ માટે નવી એજન્સીને કામગીરી સોંપાઈ છે. જે એજન્સી દ્વારા જુના સફાઈ કર્મીઓને અચાનક છુટા કરી દેવાતા કર્મચારીઓની રોજગારી સામે મોટો પ્રશ્ર્નાર્થ સર્જાયો છે.