મહિસાગર જિલ્લામાં એમજીવીસીએલ વિભાગ દ્વારા લગાવવામાં આવેલા વીજપોલ ગમે ત્યારે તુટી પડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગોધર તાલુકાના રાફઈ ગામના ખેડુતો વીજ કંપનીની કામગીરીથી કંટાળી ગયા છે. અનેક વખત ટેલિફોનીક કમ્પ્લેઈન નોંધાવા છતાં પણ આજદિન સુધી તેનુ નિરાકરણ આવ્યુ નથી.
ગોધર તાલુકાના રાફઈ ગામમાં રહેતા ભુલાભાઈ પટેલના ખેતરમાંથી પસાર થતાં જીવંત વાયરો માત્ર જમીનથી માત્ર ત્રણ ફુટ ઉંચે જોખમી રીતે લટકતા જોવા મળે છે.જે બાબતે તેમણે અનેક વખત રજુઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનુ નિરાકરણ આવ્યુ નથી. એક ખેડુત તો વડોદરા સુધી કમ્પ્લેઈન નોંધાવી હોવા છતાં થઈ જશે…તેવો જવાબ મળ્યો હતો. ખેડુતો ખેતરમાં ટ્રેકટર તેમજ અન્ય સાધનો લઈને જતા હોય છે. તેમજ કેટલાય લોકો કામ કરતા હોય છે ત્યારે નમે પડેલા થાંભલા અને લટકતા વીજ વાયરોથી ખેડુતો અને ખેત મજુરોને જીવનુ જોખમ રહેલુ છે. જેને લઈને ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાફઈ ગામે ખેડુતોની એગ્રિકલ્ચર લાઈનમાં વીજપોલ જાણે એકબીજાના સહારે હોય તેમ જોવા મળી રહ્યા છે. જે દુર્ધટના સર્જાશે તેવી ભિતી સેવાઈ રહી છે. આ સ્થિતિને કારણે ખેડુતો તેમના ખેતરમાં જવામાં ડર અનુભવી રહ્યા છે. અને કામ વિના જ પરત ફરી રહ્યા છે. જયારે કામગીરી કરતા મજુરો પણ અહિં આવતા નહિ હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી કોઈ દુર્ધટના ધટે તે પહેલા ત્વરિત સમારકામ કરવામાં આવે લટકી ગયેલા વાયરોને ઉંચાઈ સુધી લઈ જવામાં આવે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે.