
-અલ્પાબેન ડામોર પ્રમુખ અને સરલાબેન પારગી ઉપ્રમુખ તરીકે ચૂંટાયા.
ફતેપુરા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપ્રમુખની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. વરણી પ્રક્રિયામાં ભાજપે બહુમતી સાબિત કરતા તાલુકા પંચાયત પર પોતાનો કબજો જાળવી રાખ્યો હતો. પ્રમુખ પદ માટે ભાજપના અલ્પાબેન પંકજભાઈ ડામોરની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપ્રમુખ પદે સરલાબેન કનુભાઈ પારગીની પસંદગી કરવામાં આવી હતી.
ફતેપુરા તાલુકા પંચાયતના કુલ ૧૮ સભ્યો પૈકી ૧૬ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા રાજકીય માહોલ ગરમાયો હતો. હાજર રહેલા સભ્યોમાં ભાજપના ૯ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ અને આપના મળીને ૭ સભ્યો હાજર રહ્યા હતા. ભાજપ પાસે બહુમતી હોવાથી બંને પદો પર ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત બન્યો હતો.
વરણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જીત બાદ કાર્યકરોએ એકબીજાને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર પ્રક્રિયા તાલુકા વિકાસ અધિકારી પી.એલ. ગોસ્વામીની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી.
નવનિયુક્ત પ્રમુખ અલ્પાબેન પંકજભાઈ ડામોરે જણાવ્યું હતું કે, તાલુકાના વિકાસ કામોને પ્રાથમિકતા આપી લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરવામાં આવશે. તાલુકાના ગામડાઓમાં રસ્તા, પાણી, ગટર અને અન્ય મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું