દાહોદમાં કોંગ્રેસના એસ.ટી.ઉમેદવાર વધુ મત લઈ જતાં ભાજપે સામાન્ય બેઠક ગુમાવી

દાહોદ નગરપાલિકાનો વોર્ડ નંબર ચુંટણીના પ્રારંભથી જ શહેરમાં ચર્ચાનો વિષય બનેલો રહ્યો હતો. અહિં ભાજપના ઉમેદવાર લખન રાજગોરની ટિકીટ કપાયા બાદ તેમણે બળવો કરી કોંગ્રેસમાં ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ રદ્દ થઈ ગયુ હતુ.

ચર્ચિત ઉમેદવારને ભાજપે ટિકીટ નહિ આપતા વોર્ડ નં.-૧માં શહેરમાં સોૈથી ઓછુ મતદાન થયુ હતુ. આ સાથે શહેરમાં સોૈથી વધુ નોટામાં ૯૫ મત પણ અહિં જ પડ્યા હતા. આટલુ ઓછુ હોય તેમ અહિં કાઉન્ટિંગના દિવસે ઈવીએમ ખુલતા કોંગ્રેસના એસ.ટી.બેઠકના ઉમેદવાર પ્રહર્ષ ડિંડોરને ૨૧૧૩ મત મળ્યા હતા. આ મત ભાજપના જનરલ બેઠકના ભાજપના ઉમેદવાર મુસ્તુફા ગાંગરડીવાલા ૧૩૧૩ મતથી વધી જતાં પ્રહર્ષ ડિંડોર જનરલ બેઠક ઉપર વિજેતા જાહેર કરાયા હતા. પ્રહર્ષ જનરલ બેઠક ઉપર વિજેતા થતાં તેમની સામેના એસ.ટી.બેઠકના ભાજપના ઉમેદવાર કલ્પકુમાર કિશોરી ૧૬૩૯ મતે એસ.ટી.બેઠક ઉપર વિજેતા જાહેર કરાયા હતા. નિયમોને કારણે અહિં ભાજપે એક બેઠક ગુમાવી હતી. તો એક બેઠક મળ્યાનો પણ આનંદ મેળવ્યો હતો. આ વોર્ડમાં અન્ય કોંગ્રેસની જ બે મહિલા ઉમેદવારો તસ્નીનબેન નલાવાલા અને રાધાબેન માંડવિયાનો પણ વિજય થયો હતો. અહિં ભાજપે યોગ્ય ઉમેદવારની પસંદગી નહિ ઉતારતા ગઈ વખતે જે એક બેઠક કોંગ્રેસ પાસે હતી. તે આ વખતે કોંગ્રેસને ત્રણ બેઠક આપી દેવાનો વારો આવ્યો હતો.