નસવાડી તાલુકામાં ૧૦ કરોડના ખર્ચે ૪૮ મકાનો પોલીસ વિભાગના કર્મીઓ માટે બનાવાયા

નસવાડી ખાતે ૧૦ કરોડથી વધુના ખર્ચે ૪૮ રહેણાંક મકાનો પોલીસ વિભાગના કર્મચારીઓ માટે બનાવવામાં આવી રહ્યા છે. જયારે ૨૦ વર્ષ પછી પોલીસ વિભાગના કર્મચારીઓને સારા સરકારી મકાનની સુવિધા મળશે. અત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓમાં મોંઘા ભાવના ખાનગી ભાડાના મકાનમાં રહેવા મજબુર છે.

નસવાડી તાલુકામાં ૫૦થી વધુ પોલીસ કર્મીઓ નસવાડી પોલીસ સ્ટેશન અને તણખલા આઉટ પોસ્ટ, દુગ્ધા આઉટ પોસ્ટ, આમરોલી આઉટ પોસ્ટમાં ફરજ બજાવે છે. નર્મદા નિગમની માલિકીની જમીનમાં પોલીસ કવાટર્સ આવેલા હતા. તે જર્જરિત બનતા પોલીસ કર્મચારીઓને રહેવા માટે મુશ્કેલી સર્જાઈ હતી. અને ખાનગી મકાનોમાં રહેવા માટે મજબુર બન્યા હતા. ખાનગી મકાનોના ભાડા વધારે છે અને પોલીસ કર્મચારીઓને મોંઘા ભાડાના મકાનો પોસાતા ન હતા. જેને લઈને અનેક વખત રજુઆત કરી હતી. તેને લઈને પોલીસ હાઉસિંગ બોર્ડ વિભાગ દ્વારા નસવાડી ખાતે સેવાસદન રોડ ઉપર ૧૦ કરોડથી વધુના ખર્ચે ૪૮ મકાનો અમદાવાની આશિષ ક્ધસ્ટ્રકશન એજન્સી બનાવી રહી છે. પોલીસ કર્મચારીઓને ૨૦ વર્ષ પછી સરકારી પોલીસ કવાટર્સ મળશે.જેનાથી કર્મચારીઓને ખાનગી ભાડાના મકાનોમાંથી મુક્તિ મળશે.