બોડેલીના ગોગડીયા ગામે ખેતરમાં વીજપોલ નમી પડતા ખેડુતોને જીવનુ જોખમ

બોડેલી તાલુકાના ગોગડીયા ગામે ખેતરમાં વીજપોલ નમી પડતા ખેડુત જીવનુ જોખમ હોવાથી ખેતરમાં ત્રણ વર્ષથી વાવણી કરતા નથી.

ગોગડીયા ગામમાં વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. ગામમાંથી પસાર થતી એગ્રિકલ્ચર વીજ લાઈન છેલ્લા ત્રણ વર્ષથી નમી ગઈ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહિ કરતા સ્થાનિક ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ગોગડીયા કેનાલ ફળિયામાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે. ખેડુત સંતોષભાઈ પ્રવિણભાઈ અને લક્ષ્મણભાઈ નાનજીભાઈના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના તાર જીવતા હાલતમાં જ ખેતરમાં નમી પડ્યા છે. આ સ્થિતિને કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. અને ખેડુતો ખેતરમાં જવાનુ પણ ટાળી રહ્યા છે. સ્થાનિક ખેડુત દ્વારા અનેક વખત વીજ વિભાગના કર્મચારીઓને મોૈખિક રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી. છેલ્લા ત્રણ વર્ષથી સમસ્યા યથાવત રહી છે. આ કારણે ખેડુતો વાવણી કરી શકતા નથી. આ પહેલા પણ બોડેલી વિસ્તારમાં નમી ગયેલા વીજપોલ અંગે ધારાસભ્યએ તંત્રને પત્ર લખી કામગીરી કરવા સુચના આપી હતી. છતાં ગોગડીયા ગામમાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. સ્થાનિક લોકોએ તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.