કમલમ ખાતે ઉમેદવારોની ભીડ : ગોધરા પાલિકાના 7 વોર્ડની 28‎ બેઠક માટે ભાજપમાં 200 દાવેદારો‎

ગોધરા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે બીજા દિવસે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ધ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

ગોધરા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે બીજા દિવસે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ધ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ગોધરા તાલુકાના ગદુકપુર ખાતે આવેલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ‘કમલમ’ ખાતે બીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયામાં ગોધરા નગર, ગોધરા તાલુકા તેમજ મોરવા હડફ તાલુકાની બેઠકો માટે ઇચ્છુક ઉમેદવારોના મત-વિચાર અને દાવેદારી નોંધવામાં આવી હતી.

ગોધરા નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક લોકો કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા.ગોધરા શહેરના વિવિધ વોર્ડ માટે દાવેદારી નોંધાવવા માટે ઉત્સાહભેર ઉમેદવારો આગળ આવ્યા હતા.

સવારે જ કાર્યાલય પર ઉમેદવારો અને તેમના સમર્થકોનો જામાવડો જોવા મળ્યો હતો. દરેક ઉમેદવાર દ્વારા પોતાની કાર્યશૈલી, સંગઠન પ્રત્યેની વફાદારી તેમજ વિસ્તારમાં કરેલા વિકાસકાર્યો અંગે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગોધરા પાલિકાના 11 વોર્ડમાંથી 7 વોર્ડની 28 બેઠક માટે 200 થી વધુ દાવેદારોએ ઉમેદવારી માટે ફોર્મ જમા કરાવ્યા છે.

આમ એક બેઠક દિઠ 7 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જયારે ભાજપ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારી માટે 3 ટર્મ સુધી સક્રીય સભ્ય હોય તેવા નિયમ લાગુ કરશે. તો ગોધરા નગર પાલિકામાં મોટા ભાગના દાવેદારોની દાવેદારી કપાઇ જવાની શકયતાઓ સેવાઇ રહી છે.