ઘોઘંબા તાલુકામાં નોંધાયેલી છેડતી અને પોકસો એકટ હેઠળની ફરિયાદના કેસમાં એડિ.સેશન્સ જજ અને સ્પે.પોકસો કોર્ટના જજ વી.એન.મપારા દ્વારા આરોપી સંજયસિંહ ઉર્ફે સંજયકુમાર ઉર્ફે લાલાભાઈ મહેન્દ્રસિંહ સોલંકીને તમામ આરોપોમાં નિર્દોષ જાહેર કરી મુકત કરવાનો આદેશ સાથે જ ખોટી ફરિયાદ કરવા બદલ ફરિયાદ સામે આઈપીસી કલમ-૨૧૧ મુજબ કાર્યવાહી કરવાનો હુકમ આપ્યો હતો. જેમાં કોર્ટના ડે.રજીસ્ટ્રાર એમ.ઝેડ.સૈયદ દ્વારા ચીફ જયુડિ.કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
પીડિતાએ તા.૦૩/૦૪/૨૦૨૩ના રોજ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા.૩૦/૦૩/૨૦૨૩ના રોજ સાંજે ખેતરથી પરત ફરતી વખતે આરોપી સંજયે તેનો હાથ પકડી ખેંચીને છેડતી કરી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ પોકસો કોર્ટમાં ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન પીડિતાએ સ્વિકાર્યુ કે, ડોકટર સમક્ષ સારવાર દરમિયાન છેડતી અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. પીડિતાની જન્મ નોંધણી મુજબ બનાવ સમયે પીડિતા ૧૭ વર્ષ ૨ માસની હતી. તે બાબત પ્રોસીકયુશન પક્ષ પુરવાર કરી શકયો નહોતો.કેસ દરમિયાન સામે આવ્યુ કે, આરોપી અને ફરિયાદી પરિવાર વચ્ચે દુધ ઉત્પાદક મંડળી બાબતે જુની અદાવત ચાલી રહી હતી. આરોપી મંડળીમાં સેક્રેટરી તરીકે નિયુકત થયો હતો. જેથી વિવાદ ઉભો થયો હોવાની દલીલ બચાવ પક્ષે કરી હતી. સમગ્ર પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને બચાવ પક્ષની દલીલો ધ્યાનમાં રાખીને જજ વી.એન.મપારાએ આરોપીને છેડતી અને પોકસોમાં નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યુ કે, ફરિયાદમાં વિલંબ, હકીકતોમાં વિસંગતતા અને પુરાવાની અછતથી આરોપ સાબિત થતો નથી. સાથે જ ફરિયાદી દ્વારા ખોટી પોલીસ ફરિયાદ કરી હોવાનુ જણાતા આઈપીસી કલમ-૨૧૧ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. ખોટી ફરિયાદ કરવા બદલ ફરિયાદી સાથે આઈપીસી કલમ-૨૧૧ મુજબ ચીફ જયુડિ.કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.