શહેરાના સાલમપુર ગામ પાસે કત્તલ માટે લઈ જવાતા૩ પશુઓ સાથે બે ઈસમોને ઝડપ્યા

શહેરા તાલુકામાં પશુ ક્રૂરતા અને ગેરકાયદેસર પશુ હેરફેર વિ‚દ્ધ પોલીસે લાલ આંખ કરી છે. શહેરા-નાંદરવા માર્ગ પર આવેલા સલામપુરા ગામ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બે શખ્સોને પશુઓ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા આ શખ્સોની કડક પૂછપરછમાં પશુઓને કતલના ઈરાદે લઈ જવાતા હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસ દ્વારા ત્રણ સામે ગુનો નોંધીને બે શખ્સો ને પકડી પાડ્યા જ્યારે એક આરોપીને પકડવા માટેની તજવીજ હાથધરી હતી. પોલીસે બે પશુ અને મોબાઇલ મળીને ૨૭ હજાર રૂપિયાનો મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શહેરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અ.પો.કો. નવગણ સામતભાઈ સહિતનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન શહેરાથી નાંદરવા તરફ જતાં માર્ગ પર સલામપુરા ગામ પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં બે પશુઓને દોરીને લઈ જઈ રહ્યા હતા. પોલીસના વાહનને જોતા જ આ બંને શખ્સો ગભરાઈ ગયા હતા અને પશુઓને મૂકીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સતર્ક પોલીસ જવાનોએ પીછો કરીને બંનેને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.પોલીસે જ્યારે બંને શખ્સોની અટકાયત કરી પશુઓ બાબતે પૂછપરછ હાથ ધરી, ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. ઉલટતપાસમાં બહાર આવ્યું હતું કે, આ બે પશુઓને તેઓએ વેચાણથી ખરીદી હતી અને તેને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઈરાદે નિર્ધારિત સ્થળે લઈ જઈ રહ્યા હતા. પશુઓ પાસે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને તેમને અત્યંત ટૂંકા દોરડાથી બાંધવામાં આવ્યા હતા.પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.પો.કો. નવગણ સામતભાઈએ સરકાર તરફે ફરિયાદી બનીને પશુ સંરક્ષણ ધારા અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ત્રણ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે સાહિલ આસિફ શેખ અને અલ્તાફ રસીદ શેખને પકડી પાડ્યા હતા, જ્યારે મોઈન ઉર્ફે મોયુદીન યુસુફ બેલીમ રહે પશુ દવાખાના પાસે શહેરાને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં પોલીસ આ ગુનામાં સામેલ ત્રીજા શખ્સની શોધખોળ કરી રહી છે. પોલીસની આ સતર્કતાને કારણે અબોલ પશુઓને કતલખાને જતાં બચાવી શકાયા હતા. જેથી સ્થાનિકોમાં પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી હતી અને પશુ તસ્કરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.