
શહેરા તાલુકામાં વન્યજીવોનું રહેણાંક વિસ્તારોમાં આવી ચઢવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. તાજેતરમાં સલામપુરા ગામે એક વિશાળ મગર ખેતરમાં આવી ચઢતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વનવિભાગની ત્વરિત કામગીરીને પગલે આ મગરને સલામત રીતે પકડી પાડી કુદરતી આવાસમાં છોડવામાં આવ્યો હતો.
શહેરાના સલામપુરા ગામમાં રહેતા ખેડૂત નટુભાઈ શંકરભાઈ બારીયા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમની નજર એકાએક વિશાળકાય મગર પર પડી હતી. ખેતરમાં આશરે ૭ ફૂટ લાંબો મગર જોઈને ખેડૂત અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મગર ખેતરમાં હોવાને કારણે ખેતીકામ કરતા શ્રમિકો અને પશુપાલકો માટે જોખમ ઊભું થયું હતું. જાગૃત ખેડૂત નટુભાઈએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક આ બાબતની જાણ શહેરા વનવિભાગને કરી હતી. ઘટનાની જાણ થતા જ શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલ હરકતમાં આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ વનવિભાગની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મગર ખેતરની વચ્ચે હોવાથી અને તેની લંબાઈ આશરે ૭ ફૂટ જેટલી હોવાથી તેને પકડવો પડકારજનક હતો. જોકે, ભારે જહેમત બાદ સાત ફૂટ લંબાઈ ધરાવતા મગરને પકડી પાડીને મગરને સુરક્ષિત રીતે બાંધી રેસ્ક્યુ કર્યો હતો. રેસ્ક્યુ કરવામાં આવેલા મગરને કોઈ ઈજા ન થાય તે રીતે પાંજરામાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, આ મગરને તેના કુદરતી રહેઠાણ એવા પાનમ ડેમના જળાશયમાં લઈ જઈને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. ખેતરમાં મગર હોવાને કારણે ખેડૂતો ખેતરમાં જતાં ડરતા હતા. મગરના સફળ રેસ્ક્યુ બાદ નટુભાઈ બારીયા સહિત સલામપુરા ગામના સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે. વનવિભાગની આ ત્વરિત અને જોખમી કામગીરીની ગ્રામજનોએ પ્રશંસા કરી હતી.