૮૫ વર્ષીય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારને હોસ્પિટલમાં દાખલ કરાયા

રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના પ્રમુખ શરદ પવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને આરોગ્ય તપાસ માટે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે સૂત્રોએ જણાવ્યું હતું કે ૮૫ વર્ષીય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીને બે દિવસ પહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શરદ પવારના સ્વાસ્થ્ય અંગે સુત્રોએ જણાવ્યું હતું કે તેમને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર નથી. નોંધનીય છે કે પીઢ રાજકારણી તાજેતરમાં વ્હીલચેરમાં સંસદમાં પહોંચ્યા હતા.

રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવા પહોંચેલા પવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મીડિયાના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. આ પહેલા, પવારને આ વર્ષે ફેબ્રુઆરીમાં બે વાર પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર, છાતીમાં ચેપ અને ડિહાઇડ્રેશનની ફરિયાદ બાદ ફેબ્રુઆરીમાં ડોકટરોએ તેમને તપાસ્યા હતા.