રૂા.10 લાખના ચાર ચેક રિટર્ન કેસમાં હાલોલ કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને દસ લાખનો દંડ ફટકાર્યો : દરેક સજા અલગ અલગ ભોગવવા હુકમ

હાલોલની ઉમા સોસાયટીમાં રહેતા મનસુખભાઈ શંકરભાઈ પટેલ દ્વારા હાલોલની દર્પણ સોસાયટીમાં રહેતા કિરણભાઈ વિઠ્ઠલદાસ પંડ્યા સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના હાલોલમાં કુલ ચાર કેસ દાખલ કરેલા. વિગતો મુજબ ફરિયાદી અને તેમના ભાગીદાર વિનોદકુમાર જીવતરામ મગનાની એ આરોપી પાસેથી હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામની રે. સ. નં 197 વાળી જમીન રૂા. 69,25,000/ માં વર્ષ 2020 મા સોદો કરેલ અને જમીનની કિંમત પણ ચૂકવી દીધી હતી. આરોપીએ સોદો કરતા સમયે જણાવેલ કે આ જમીનના મૂળ માલિક પાસેથી તેઓએ બાનાખત કરાવેલું છે અને આ બાનાખતના આધારે તેઓએ સોદો કર્યો છે અને ફરીયાદી તથા તેના ભાગીદારને વેચાણ દસ્તાવેજ પણ કરી આપવાનો પાકો ભરોસો આપ્યો હતો. પરંતુ ફરિયાદી અને તેના ભાગીદારને વેચાણ દસ્તાવેજ કરી આપેલ નહીં જેથી આરોપીએ નોટરી રૂબરૂ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર બાહેધરી કરી આપી હતી અને એક માસમાં વેચાણ દસ્તાવેજ કરી આપવા બાહેધરી આપી જો એક માસમાં વેચાણ દસ્તાવેજ ન કરી આપે તો ફરિયાદી અને તેના ભાગીદારને તેઓના કાયદેસરના નાણા ચૂકવવાની શરત પેટે પોતાની બેંકના પોતાની સહી કરેલા કુલ પાંચ ચેક આપ્યા હતા. ફરિયાદી અને તેના ભાગીદાર દ્વારા આરોપીને નાણાં ચૂકવી આપવાની વારંવાર વિનંતી કરેલ જેથી આરોપીએ વર્ષ 2024 માં એપ્રીલ મહિનામાં શરૂઆતની તારીખમાં ચેક રજુ કરવામાં આવે તો તે નાણા ચુકવી આપવાનો પાકો વિશ્ર્વાસ અને ભરોસો આપ્યો હતો. આરોપીએ આપેલ ચેક રૂા. 10 લાખની મર્યાદા વાળા હોઈ ફરિયાદીએ રૂા.10 લાખની રકમ વાળા આરોપીની સહી વાળા કુલ ચાર ચેક ફરિયાદીએ પોતાની બેંકમાં રજુ કરતા, “Exceed Arrangement”ંના શેરા સાથે તમામ ચેક રિટર્ન થયા હતા, જે બાદ આરોપી સામે હાલોલના એડી ચીફ જયુ મેજીસ્ટ્રેટ સમક્ષ પોતાના એડવોકેટ જે.બી.જોશી દ્વારા કુલ ચાર ફરિયાદ દાખલ કરી હતી. તમામ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ જે.બી.જોશી દ્વારા મહત્વપૂર્ણ દલીલો કરી ફરિયાદીએ આરોપી પાસેનું પોતાનુ કાયદેસરનું લ્હેણુ સાબીત કરેલ હોય તેમજ આરોપી કેસની કાર્યવાહીથી બચવા જાણી જોઈને છૂપાતો ફરે છે. આરોપી તરફે કોઈ બચાવ કરેલ નથી કે ફરીયાદી વિરૂદ્ધની કોઈ હકીકત રેકર્ડ પર લાવેલ નથી. જે તમામ હકીકતે હાલોલના એડી ચીફ જયુ મેજીસ્ટ્રેટ આર.બી.જોશી દ્વારા આરોપી કિરણભાઈ વિઠ્ઠલદાસ પંડ્યાને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં એક વર્ષની સજા અને દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા અને જો દંડ ના ભરે તો વધુ 3 માસની સજા નો હુકમ કર્યો છે. વધુમાં દરેક કેસની સજા અલગ અલગ રીતે ભોગવવા નો આદેશ આપ્યો છે.