ઝાલોદમાં જનસલામતી માટે પાંચ મોટા વૃક્ષો કાપી હટાવાયા

વરસાદી માહોલ અને તેજ પવન વચ્ચે નગરપાલિકાની તકેદારી, રાધિકા હોસ્પિટલ સામે જોખમી વૃક્ષો દૂર કરાયા

ઝાલોદ નગરમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે નગરજનોની સલામતીને ધ્યાનમાં રાખીને ઝાલોદ નગરપાલિકા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પૈકી રાધિકા હોસ્પિટલ સામે રોડ પર આવેલા જોખમી અને નમી ગયેલા વૃક્ષોની ડાળીઓના કારણે અકસ્માતની શક્યતા ઊભી થઈ હતી.

 રાધિકા હોસ્પિટલની બહાર આવેલા અંદાજે પાંચ જેટલા મોટા વૃક્ષોની ડાળીઓ નમી જતાં તેમજ લટકી ગયેલી સ્થિતિમાં હોવાથી આવતા-જતા વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થવાની શક્યતા હતી. વરસાદ અને તેજ પવન દરમિયાન આ ડાળીઓ અથવા વૃક્ષો તૂટી પડવાથી કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

   નગરપાલિકાના તંત્ર દ્વારા જનસુખાકારી અને જનસલામતીને પ્રાથમિકતા આપી જોખમી બનેલા આ પાંચ જેટલા વૃક્ષો કાપીને હટાવવામાં આવ્યા હતા. વરસાદી સિઝન દરમિયાન શહેરમાં આવા જોખમી વૃક્ષો અને ડાળીઓ અંગે તંત્ર દ્વારા વધુ તકેદારી રાખવામાં આવે તેવી પણ નગરજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.