ઝાલોદ તાલુકાના 30 ગામોમાં વિશ્વ મૃદા દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા

ઝાલોદ તાલુકાના કુલ 30 ગામોમાં વિશ્વ મૃદા દિવસ નિમિત્તે વાગ્ધારા સંસ્થા અને કૃષિ તથા આદિવાસી સ્વરાજ સંગઠનના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગામના સમુદાય સભ્યો, સંગઠનના કાર્યકરો, ટીમ સાથીઓ તથા જવાબદાર વ્યક્તિઓએ મળીને કાર્યક્રમોને સફળ બનાવ્યા.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માટીની મહત્વતા જન-જન સુધી પહોંચાડવાનો હતો. દરેક ગામના ખેડૂતોએ પોતપોતાના ખેતરમાંથી માટી અને દેશી બીજ લઈને કાર્યક્રમમાં હાજરી આપી. શરૂઆત માટીની પૂજા અને આરતી સાથે કરવામાં આવી, જેના દ્વારા ધરતી પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો.

આગળ સમુદાયને મૃદાની ઉપજાઉ શક્તિ ઘટાડતા રાસાયણિક ખાતર, હાઈબ્રિડ બીજ, ઝેરવાળા છંટકાવ વગેરેના દોષો વિશે સમજ આપવામાં આવી. સાથે સાથે જૈવિક ખેતી, દેશી ખાતર, દેશી બીજ, મેદબંધી, વૃક્ષારોપણ સહિતની પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવવાથી માટી જીવંત અને સમૃદ્ધ રહે તેવા માર્ગદર્શન આપવામાં આવ્યા.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતો અને સમુદાય વચ્ચે આ મુદ્દાઓ પર ખુલ્લો સંવાદ થયો અને પોતાના ભવિષ્ય માટે સ્વસ્થ, જીવંત અને ઉપજાઉ માટી જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અંતમાં તમામ સભ્યોએ માટીની જાળવી રાખવા માટે શપથ લીધા બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.