પેટ્રોલીંગ દરમિયાન શકમંદ લાગતાં ઈસમની પૂછપરછ મોબાઈલ દ્વારા સંપર્ક મળી પરિવારને સોંપ્યો : પરિવારજનોમાં ખુશીની લાગણી છલકાઈ.
ઝાલોદ પોલીસ સ્ટેશનની માનવતા ઝળકાવતી એક સરાહનીય કામગીરી સામે આવી છે. અસ્થિર મગજ ધરાવતા ખોવાયેલા ઈસમને શોધીને પરિવાર સાથે પુન:મિલન કરાવતાં ઝાલોદ પોલીસની કામગીરી પ્રશંસનીય બની છે, જ્યારે પરિવારજનોના ચહેરા પર ખુશીની લાગણી છલકાઈ હતી.
ઝાલોદ પોલીસ ડિવિઝનના ડી.વાય.એસ.પી ડી.આર. પટેલના માર્ગદર્શન અને પી.આઈ રવિ ગામીતના સુચનાને અનુસરી પી.એસ.આઈ સી.કે. સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે નિયમિત પેટ્રોલીંગ કરી રહ્યા હતા. નગરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 23-11-2025ના રોજ ઝાલોદ બાયપાસ જુની આર.ટી.ઓ. રોડ પર ફરતા એક શકમંદ વ્યક્તિને અટકાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
આ વ્યક્તિ અસ્થિર મગજનો જણાતા હતો તથા મરાઠી ભાષામાં અસ્પષ્ટ શબ્દો બોલતો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સચિન જણાવ્યું હતું. ઈશારા દ્વારા તેણે મોબાઈલ માંગતા પી.એસ.આઈ. સી.કે. સીસોદીયાએ પોતાનો મોબાઈલ તેને આપ્યો હતો. તે વ્યક્તિએ મોબાઈલમાં અલગ-અલગ નંબર ડાયલ કર્યા, જેમાંથી એક નંબર સાચો મળતાં ઝાલોદ પોલીસને મહત્વનો સુત્ર પ્રાપ્ત થયો.
મોબાઈલ દ્વારા સંપર્ક કરાતા જાણવા મળ્યું કે, આ અસ્થિર મગજનો વ્યક્તિ મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જીલ્લાના સચિન સામરાવ કારસરપેનો ભાઈ હતો. પરિવારજનોએ માહિતી આપી કે આ વ્યક્તિ સાસરીમાં પુત્રના જન્મે ત્યાં ગયેલ હતો અને પરત ફરતી વખતે પરિવાર સાથે સંપર્ક તૂટી જતા પંદર દિવસથી ગુમ હતો. આ માહિતી મળતા તેના પરિવારજનો તરત જ ઝાલોદ પહોંચ્યા હતા.
ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા તમામ પુરાવા અને ઓળખ આપ્યા બાદ પીએસઆઈ સી.કે. સીસોદીયાએ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી ખોવાયેલ ઈસમને તેના પરિવારને સલામત સોંપ્યો હતો. પરિવારના સભ્યને મળતાં સ્થળ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ ઝાલોદ પોલીસની આ માનવતાભરી કામગીરીની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. ઝાલોદ પોલીસની સતર્કતા, માનવતા અને જવાબદારીભર્યા વલણની સમગ્ર વિસ્તારમાં વખાણ થઈ રહી છે.