
ઘોઘંબા તાલુકામાં કાયમી TDOની માંગ ચાર્જ માં ચલાવતી તંત્રવ્યવસ્થા પર સ્થાનિકોમાં ભારે નારાજગી.
ઘોઘંબા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ)નું કામ માત્ર ચાર્જ આધારે ચાલતું હોઈ સ્થાનિક વહીવટ ડામાડોળ છે, કામકાજમાં મોડું તથા વિકાસ કાર્યોની ગતિ મંદ પડી રહી છે. તાલુકા પંચાયતનો સમયગાળો દિન પ્રતિદિન એટલો લાંબો થતો જાય છે કે લોકો ખુદ પૂછવા લાગ્યા છે કે ઘોઘંબા તાલુકા પંચાયત ક્યાં સુધી ચાર્જમાં જ ચાલશે? અમને અમારા કાયમી તાલુકા વિકાસ અધિકારી ક્યારે મળશે
તાલુકાના લોકો કહે છે કે એક તાલુકાથી બીજા તાલુકામાં ફરતા અધિકારીને બે બાજુ જવાબદારી નિભાવવી પડે છે, જેથી ન તો મૂળ તાલુકામાં તેમનો સમય મળે અને ન તો ઘોઘંબામાં યોગ્ય હાજરી થઈ શકે. પરિણામે રોજિંદા કામકાજથી લઈ મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓ સુધી બધું જ અધૂરૂં, અડધું અને લટકતું થઈ ગયું છે.
સ્થાનિકોમાં આક્ષેપ છે કે, ચાર્જમાં ચાલતો તાલુકો એ ધણી વગરની ધણીયાણી જેવો નામનો છે સંભાળનાર કોઈ નથી. વહીવટી અભાવને કારણે સામાન્ય નાગરિકોથી લઈને ગ્રામ પંચાયતો સુધીનો તંત્રનો સંપર્ક મોબાઇલ નેટવર્ક જેવો થઈ ગયો છે. ફાઇલ મૂકવી, મંજૂરી લેવડાવવી, વિકાસ યોજનાઓ આગળ ધપાવવી જેવી બાબતોમાં અનાવશ્યક વિલંબ જણાય છે.
સ્થાનિકોને ખાસ કરીને આ વાતની ચિંતા છે કે, જો તાલુકો ચાર્જ પર જ ચલાવવાનો હોય, તો ઘોઘંબા તાલુકા ના કોઈ કાયમી સ્થાનિક નાયબ અધિકારીને આ ચાર્જ સોંપવામાં આવે, જેથી તેઓ સમયસર તાલુકા ખાતે હાજર રહી શકે. બહારના તાલુકાનો ચાર્જ સંભાળતા અધિકારીને એક જ દિવસમાં લાંબા ચક્કર કાપવા પડે છે, જેનાથી ઘોઘંબાના વિકાસ અને મહત્ત્વ ના કાર્યો પ્રાથમિકતામાં પાછળ પડી જાય છે.
લોકલાગણીએ હવે સ્પષ્ટ શબ્દોમાં માંગ ઊભી કરી છે: વહીવટને અડધો નહીં, સધ્ધર કરો. ઘોઘંબા તાલુકા માટે કાયમી તાલુકા વિકાસ અધિકારીની તાત્કાલિક નિમણૂક કરો. જો સમયસર કાયમી ઝઉઘની નિમણૂક ન થાય, તો વિકાસ કાર્યોની ગતિ પાછળ જ રહેશે અને સ્થાનિકોમાં વધતી નારાજગી પણ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે. ઘોઘંબા તાલુકાના વિકાસને વેગ આપવા માટે તંત્રએ લોકોની વ્યથા સાંભળવી જ પડશે લોક ચર્ચા મુજબ કહીએ તો તાલુકાના વિકાસને ચાર્જ પર નહીં, કાયમી આધાર પર ચલાવવાનો સમય આવી ગયો છે.