ઝાલોદ પાલિકાના વોર્ડ નં.-૨માં બનેલો મુખ્ય રસ્તો બિસ્માર થવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા આખરે રહિશોએ ન્યાય માટે દાહોદ કલેકટરના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનો દરવાજો ખખડાવ્યો છે.
ઝાલોદના સ્વર્ણિમ સર્કલથી ગુલીસ્તાન સોસાયટી થઇ કોર્ટ પાછળ મહાકાળી મંદિર તરફ જતો મુખ્ય માર્ગ ભારે ભ્રષ્ટાચારના કારણે માત્ર ૬ મહિનામાં જ ધોવાઈ ગયો હતો. સ્થાનિક રહિશ નાજીમ આર.ગુડાલાએ કલેકટરને કરેલી લેખિત રજુઆતમાં આક્ષેપ કર્યો છે કે, આશરે ત્રણ વર્ષ પહેલા ટેન્ડર ધારક એજન્સીના બદલે સ્થાનિક કાઉન્સિલરોએ આ રસ્તો બનાવ્યો હતો. જેમાં વ્યાપક લોલમલોલ ચાલ્યુ હતુ. હાલમાં આ માર્ગ પર માત્ર ખુલ્લી કચચીઓ જ બચી છે. જેના કારણે રોજબરોજ વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા છે. આ જ રસ્તા પરથી વન વિભાગની કચેરી, કુમારશાળા, આંગણવાડીના માસુમ બાળકો તેમજ મહાકાળી મંદિર તરફ જતાં હજારો શ્રદ્ધાળુઓ પસાર થાય છે. જેમનો જીવ અત્યારે જોખમમાં મુકાયો છે. ચોમાસુ નજીક હોવા છતાં પાલિકાના ચીફ ઓફિસર કે કાઉન્સિલરો કોઈ પગલા લેતા નથી. આખરે કંટાળીને કલેકટર કક્ષાએથી આ કેસની તટસ્થ તપાસ થાય, ગુણવત્તા વગરનો રોડ બનાવનાર તમામ સામે ગુનો દાખલ થાય અને નવો રસ્તો મંજુર થાય તેવી ઉગ્ર માંગ કરાઈ છે.