મહિસાગર જિલ્લા સહિત કડાણા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલ અસહ્ય ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ શનિવારે સમી સાંજે અચાનક જ હવામાનમાં પલ્ટો આવ્યો હતો. અને આકાશમાં કાળાદિબાંગ વાદળો છવાયા હતા. અને જોતજોતામાં સમગ્ર પંથકમાં અંધારપાટ છવાયો હતો. ત્યારબાદ પ્રચંડ વેગ સાથે ફુંકાયેલા ૫વન અને આકાશને ગજવી મુકતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. સમી સાંજે શ થયેલા આ તોફાની વરસાદને પગલે સમગ્ર પંથકના તાપમાનમાં ધટાડો નોંધાયો હતો. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લાંબા સમયના વિરામ બાદ વરસેલા આ વરસાદના કારણે સ્થાનિક રહિશો તેમજ ધરતીપુત્રોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વરસાદની ગતિ અને જોર એટલુ વધારે હતુ કે, માત્ર ગણતરીના સમયમાં જ કડાણા તાલુકાના મુખ્ય માર્ગો, બજારો અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ધુટણસમા પાણી ભરાઈ ગયા હતા.