સંજેલીના કરંબામાં હેન્ડપંપમાં યુવકે ગેરકાયદેસર મોટર ફિટ કરતા અન્ય લોકોને પાણી માટે વલખા

સંજેલી તાલુકાના કરંબા ખોબરા ફળિયામાં છેલ્લા પાંચ દાયકાથી ૧૫ જેટલા પરિવારો અને પશુઓની તરસ છીપાવવા વર્ષો જુનો એકમાત્ર સરકારી હેન્ડપંપ એક સ્થાનિક યુવકની જોહુકમીના કારણે બંધ થઈ ગયો છે. માથાભારે શખ્સે પોતાના સ્વાર્થ માટે હેન્ડપંપમાં ગેરકાયદેસર રીતે મોટર ઉતારી દેતા આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. અને ગ્રામજનો છેલ્લા ૧૦ દિવસથી પાણીના ટીપા માટે વલખા મારી રહ્યા છે.

આ પહાડી અને જંગલ વિસ્તારમાં ભુગર્ભ જળના સ્ત્રોત ખુબ ઉંડા હોવાથી પંચાયતની નલ સે જલ યોજના અહિં માત્ર મજાક સમાન બની ગઈ છે. નવાઈની વાત તો એ છે કે, આ વિસ્તારમાં લાખો લીટરનો એવો મોટો સંપ આવેલો છે જયાંથી આખા જિલ્લાને પાણી સપ્લાય કરાય છે. પરંતુ સ્થાનિક લોકો માટે દિવા તળે અંધા‚ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પરિવારો ગંદુ અને લીકેજ થતું પાણી વાપરવા મજબુર બન્યા છે. સ્થાનિક આગેવાન કાળુભાઈ ગરાસાના જણાવ્યા અનુસાર ગામના જ રમણભાઈ હકલાભાઈ માવીએ મોટર ફિટ કરીને આ જાહેર હેન્ડપંપ બગાડી નાંખ્યો છે. ગ્રામજનોએ આ બાબતે ભારે આક્રોશ વ્યકત કર્યો છે. અને તંત્ર સમક્ષ માંગ કરી છે કે, આ તત્વો સામે કડક કાર્યવાહી કરી તાત્કાલિક આ મોટર દુર કરી હેન્ડપંપ રિપેર કરવામાં આવે જેથી લોકોને પીવાનુ શુદ્ધ પાણી પાછું મળી શકે.