દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સીંગાપુર ગામમાં બે દિપડા દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામની સીમ વિસ્તારમાં અચાનક બે દિપડા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બંને દિપડા ગામ નજીક આવેલા એક ઉંચા ઝાડ પર ચઢી ગયા હતા. દિપડાઓની હાજરીની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. લોકોમાં ભય અને ભારે કુતુહલ સર્જાયુ હતુ. ધટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને દિપડાઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ બંને દિપડા ખોરાક અથવા પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને ગામ તરફ આવી પહોંચ્યા હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાવચેત રહેવા, દિપડાની નજીક ન જવા અને સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે. સાથે જ બાળકો અને પશુઓને ધરની બહાર એકલા ન છોડવા પણ સુચના આપવામાં આવી છે. તાજેતરના સમયમાં વન્ય પ્રાણીઓના ગામડાઓ તરફ વધતા જતા પ્રવેશને કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને યોગ્ય પગલા લેવા અને લોકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાની માંગ કરવામાં આવી છે.