ભવ્ય તિરંગા યાત્રામાં ઉમટ્યો દેશભક્તિનો જનસાગર : હાથમાં તિરંગો, હૃદયમાં હિન્દુસ્તાન અને હોઠ પર ભારત માતા કી જયનો નાદ.
આઝાદીના પાવન પર્વની ઉજવણીના રંગે રંગાયેલા સમગ્ર દેશમાં જ્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થઈ રહી છે, ત્યારે ઝાલોદ નગરમાં પણ દેશભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના સંકલ્પ સાથે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા-૨૦૨૬માં હજારોની સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, યુવાનો અને આગેવાનો જોડાતા સમગ્ર ઝાલોદ નગર તિરંગાના રંગે રંગાઈ ગયું હતું.
ઝાલોદ ૧૩૦ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ તિરંગા યાત્રાનો પ્રારંભ તિરંગા સર્કલ, મુવાડા-ઝાલોદ ખાતેથી કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાનના ગૌરવભેર સ્વર સાથે યાત્રાનો પ્રારંભ થતાં જ વાતાવરણમાં દેશભક્તિની લહેર પ્રસરી ગઈ હતી.
હાથમાં તિરંગો… હૃદયમાં ભારત!
યાત્રામાં જોડાયેલા લોકોના હાથમાં લહેરાતો તિરંગો અને ચહેરા પર છલકાતો રાષ્ટ્રપ્રેમ નજરે પડતો હતો. ભારત માતા કી જય, વંદે માતરમ્, જય હિંદના નાદથી ઝાલોદની ગલીઓ અને રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.
આ માત્ર એક તિરંગા યાત્રા નહોતી…
આ શહીદોના બલિદાનને સલામ કરવાની યાત્રા હતી.
આ દેશની એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાની યાત્રા હતી.
આ નવી પેઢીના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરવાની યાત્રા હતી.
ઝાલોદની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. શાળાના ગણવેશમાં હાથમાં તિરંગો લઈને શિસ્તબદ્ધ રીતે આગળ વધતા વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિદ્યાર્થીઓની ઉપસ્થિતિથી યાત્રામાં નવી પેઢીના રાષ્ટ્રપ્રેમની ઝલક જોવા મળી હતી.
એનસીસીના કેડેટ્સ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિએ યાત્રાની શોભામાં વધુ વધારો કર્યો હતો.
વિશાળ તિરંગા સાથે ઝાલોદ બન્યું દેશભક્તિનું કેન્દ્ર : તિરંગા સર્કલથી પ્રસ્થાન કરેલી યાત્રા ઝાલોદના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ત્યારે રસ્તાની બંને બાજુથી નગરજનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાથમાં નાનકડા તિરંગાથી લઈને વિશાળ રાષ્ટ્રધ્વજ સુધી દરેક તરફ માત્ર તિરંગો જ તિરંગો નજરે પડતો હતો.
જાણે આખું ઝાલોદ કહી રહ્યું હોય
દેશ પ્રથમ… તિરંગો સર્વોપરી!
યાત્રાનું સમાપન સ્વર્ણિમ સર્કલ, એ.પી.એમ.સી. બાંસવાડા રોડ, ઝાલોદ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં ફરી એકવાર રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ ગૌરવ અને દેશભક્તિથી ભરાઈ ગયું હતું.
ધારાસભ્ય મહેશ ભૂરીયાએ જણાવ્યું હતું કે, આપણા તિરંગામાં દેશનો ઇતિહાસ, શહીદોના બલિદાન અને ભારતના ભવિષ્યના સપનાઓ સમાયેલા છે. તિરંગો દરેક ભારતીયની આન, બાન અને શાન છે. ઝાલોદમાં આજે જે રીતે લોકો સ્વયંભૂ અને ઉત્સાહભેર જોડાયા છે તે ઝાલોદની દેશભક્તિનું જીવંત ઉદાહરણ છે. તેમણે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયેલા નગરજનો, યુવાનો, માતા-બહેનો, વડીલો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલકો, એનસીસી, પોલીસ વિભાગ, અધિકારીઓ, કર્મચારીઓ અને તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશ પ્રત્યેની લાગણીને જનજન સુધી પહોંચાડવાનો હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. ઝાલોદમાં તિરંગા યાત્રાને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ખરેખર ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓથી લઈને વડીલો સુધી સૌએ એકસાથે તિરંગો હાથમાં લઈને જે એકતાનો સંદેશ આપ્યો છે તે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે. તેમણે યાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
સ્વતંત્રતા પર્વની ખુશીમાં મીઠાઈ સાથે પ્રોત્સાહન તિરંગા યાત્રા બાદ સ્વતંત્રતા પર્વની ખુશી વહેંચતા ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા વિવિધ શાળાના સંચાલકોને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું તેમજ પ્રોત્સાહનપે રોકડ ભેટ પણ આપવામાં આવી હતી. વહીવટી તંત્રથી લઈ સંગઠન સુધી સૌની હાજરી આ પ્રસંગે ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટીયા, મામલતદાર પરમાર, ટી.ડી.ઓ., ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલ, ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, દાહોદ જીલ્લા પ્રભારી, તાલુકા પ્રભારી, ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો, પોલીસ સ્ટાફ, એનસીસી કેડેટ્સ, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
તિરંગો માત્ર ધ્વજ નથી… એ ભારતની ઓળખ છે!
ઝાલોદની ધરતી પરથી આજે એક જ સંદેશ ગુંજ્યો
જ્યાં તિરંગો લહેરાય છે, ત્યાં ભારતનું ગૌરવ લહેરાય છે…
જ્યાં દેશભક્તિ ધબકે છે, ત્યાં ભારત ધબકે છે!
વિશાળ તિરંગા યાત્રાએ ઝાલોદમાં એવો દેશભક્તિમય માહોલ સર્જ્યો કે સમગ્ર નગર જાણે એકસાથે કહી રહ્યું હોય
હર ઘર તિરંગા… ઘર ઘર તિરંગા…
હર દિલ તિરંગા… હર મન તિરંગા!
ભારત માતા કી જય!
વંદે માતરમ્!
જય હિંદ!