ઝલાઈ માતા ચોકડી પાસે અકસ્માત સર્જી કારચાલક ફરાર; ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ, પોલીસ ફરિયાદ નોંધાઈ.
ઝાલોદ બાયપાસ રોડ પર ઝલાઈ માતા ચોકડી પાસે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી સફેદ રંગની XUV 300 કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર પાછળ બેઠેલા યુવકને જમણા પગમાં ગંભીર ઈજા થતાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે એક્ટિવા ચલાવી રહેલા યુવકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના મહુડીયા વજા ગામના વિકાસભાઈ રંગજીભાઈ નીનામા (ઉં.વ. ૨૨) તથા તેમના કાકાના દીકરા લાલાભાઈ ગલીયાભાઈ નીનામા (ઉં.વ. ૩૬) ગત તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ દાહોદ ખાતે કામ અર્થે એક્ટિવા નંબર RJ-03-AH-5738 લઈને નીકળ્યા હતા. દરમિયાન સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં તેઓ ઝાલોદ બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝલાઈ માતા ચોકડી પાસે ઝાલોદ તરફથી આવેલી સફેદ રંગની XUV 300 કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક રોડ ક્રોસ કરી એક્ટિવાના પાછળના ભાગે ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં પાછળ બેઠેલા લાલાભાઈને જમણા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે વિકાસભાઈને ખભા તથા કપાળના ભાગે સામાન્ય છોલાઈ જવા જેવી ઈજાઓ થઈ હતી. બનાવ બાદ કારચાલક થોડીવાર રોકાયો હતો, પરંતુ વિકાસભાઈ તેની પાસે પહોંચે તે પહેલાં જ કાર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, વિકાસભાઈએ કારનો નંબર GJ-20-AQ-0514 નોંધી લીધો હતો.
અકસ્માત બાદ સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ઇજાગ્રસ્તોને ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. લાલાભાઈને વધુ ગંભીર ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર બાદ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન તેમના જમણા પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. તબીબો દ્વારા એક ઓપરેશન કરવામાં આવ્યું છે અને હજુ એક ઓપરેશન બાકી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
લાલાભાઈની સારવાર અને હોસ્પિટલના કામકાજમાં રોકાયેલા હોવાથી વિકાસભાઈએ આજરોજ પોલીસ મથકે પહોંચી અકસ્માત સર્જનાર XUV કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.