
કલેકટર કચેરીના પટાંગણમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની કરાઇ ઉજવણી.
પર્યાવરણની જાળવણી અને વૃક્ષોનું જતન ખુબ જ આવશ્યક-જીલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયા.
દાહોદ કલેકટર કચેરી દાહોદના પટાંગણમાં જીલ્લા કક્ષાના વિશ્ર્વ પર્યાવરણ દિવસ એક પેડ માં કે નામ ૩.૦ ની ઉજવણી જીલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ દરમ્યાન જીલ્લા કલેકટર સુરભી ગૌતમ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગમાબેન મોહનીયાના જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વૃક્ષોનું જતન ખુબ જ આવશ્યક છે. વૃક્ષોના વાવેતર થકી જંગલ વિસ્તારને રક્ષણ મળશે. જંગલ દુનિયાના સૌથી મહત્વના કાર્બન સીંક પૈકીનું એક છે જેથી ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં અગત્યનું પરિબળ છે.
ગમાબેનએ વધુમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિએ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના તમામ જીવો, વ્યવસ્થાનો વિચાર કરીને જીવન પધ્ધતિ વિકસાવી છે. આપણી સંસ્કૃતિમાં ધરતીને માતા, નદીને લોકમાતા, દરિયાને દેવ તરીકે પૂજીને વહેવારો-તહેવારોને પર્યાવરણ સાથે જોડીને ઉજવવાની પરંપરાથી બેલેન્સ જળવાયું છે.
ગમાબેનએ દિવસે સૌના સહિયારા સંકલ્પથી ગુજરાતને પ્રદૂષણમુકત હેલ્થી ગુજરાત બનાવવાનું પ્રેરક આહવાન પણ કર્યુ હતું. પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો ઉપાય નથી પણ આપણે જાતે જ તેનો ઉપયોગ સમજીને મર્યાદામાં કરવો પડશે.
આ કાર્યક્રમ દરમિયાન અન્ય મહાનુભાવોના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નાયબ વન સરંક્ષક બ્રિજેશ ચૌધરી અને વન વિભાગના અધિકારી અને કર્મચારી સહિતના પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.