વિરમગામમાં પારિવારિક ઝઘડાનો લોહીયાળ અંતઃ પત્ની-પુત્રએ મળીને પતિની હત્યા કરી નાખી

વિરમગામ શહેરમાં પારિવારિક ઝઘડાએ ભયંકર સ્વરૂપ લેતા પરિણામ સ્વરૂપે એક હત્યા થઈ છે. શહેરના વ્રજ વિહાર સોસાયટી ખાતે રહેતા દીપકકુમાર જયંતિભાઈ રાધનપુરા (સોની), ઉંમર ૪૮ની – હત્યા તેમની પત્ની અને પુત્રએ જ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શરૂઆતમાં દીપકકુમારનું મૃત્યુ રહેણાંક મકાનની સીડી પરથી પડી જવાનું સામે આવ્યું હતું. એટલે કે તેમનું મોત અકસ્માત મોત ગણાવવામાં આવ્યું હતું. જોકે, બાદમાં ફોરેન્સીક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કંઈક અલગ જ હકીકત બહાર આવી છે. હવે અકસ્માત મોતનો કેસ હત્યામાં બદલાઈ ગયો છે.

ફોરેન્સીક તપાસમાં દીપકકુમારના માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ જોવા મળી હતી. આથી તેમનું મોત ઇજાને કારણે થયેલું હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે મૃતદેહને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ વિરમગામ ટાઉન પોલીસે પત્ની દિવ્યાનીબેન દીપકકુમાર રાધનપુરા (સોની) અને પુત્ર ઉદય દીપકકુમાર સોની સામે હત્યાનો ગુનો દાખલ કરી બંનેને રાઉન્ડઅપ કર્યા છે.

માહિતી મુજબ, વિરમગામ શહેરમાં અક્ષર જ્વેલર્સના નામે દીપકકુમારનો વેપાર ધંધો હતો. દુકાનના કારોબારમાં પુત્ર ઉદય યોગ્ય મદદ ન કરતા હોવાને લઈ પિતા-પુત્ર વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. ઘટનાના દિવસે પણ દીપકકુમારે પુત્રને ઠપકો આપતા ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન માતા દિવ્યાનીબેને દીકરાનું ઉપરાણું લઈ લાકડાના ધોકા વડે દીપકકુમારના માથા પર પ્રહાર કર્યો હતો. પુત્ર ઉદયે પણ લાકડાના ધોકાથી હુમલો કરતા દીપકકુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે તેમનું મોત નિપજ્યું હતું.

પાડોશીઓ અનુસાર, દીપકકુમારના ઘરમાં છેલ્લા ઘણા સમયથી ઝઘડાઓ ચાલતા હતા. પારિવારિક તણાવ અને વેપાર સંબંધિત મતભેદોનો અંતે આ રક્તરંજિત અંજામ આવ્યો છે.