
વિજાપુર તાલુકાના મોતીપુરા ગામ નજીક માર્ગ અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારે બેકાબૂ બની પહેલા મોટરસાયકલ ચાલકને અને ત્યારબાદ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ કાર રોડ પર પલટી ખાઇ ગઇ હતી જેના પરિણામે કારના ચાલકનું પણ મોત નીપજ્યું હતું.
પોલીસ ફરિયાદમાં નોંધાયેલી હકીકત અનુસાર, મોતીપુરા અને મહેશ્વર રોલિંગ મીલ વચ્ચેના રોડ પર થયો હતો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના હરદેવાસણા ગામના વતની મુસ્તકીમખાન ઉસ્માનખાન દાઉવા (ઉંમર ૩૭) પોતાની સ્કોર્પિયો કાર (રજીસ્ટ્રેશન નંબર આરજે-૩૯ વીબી-૧૧૨૧) લઈને વિસનગર તરફથી આવી રહ્યા હતા. ચાલકે પોતાની કાર અત્યંત ગફલતભરી અને પૂરપાટ ઝડપે હંકારી હતી.
આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા મોતીપુરા ગામના પિનાકકુમાર વિક્રમભાઈ પટેલની મોટરસાયકલને સ્કોર્પિયો કારે જારદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ નીચે પટકાયા હતા. મોટરસાયકલને ટક્કર માર્યા બાદ પણ બેકાબૂ કારે ત્યાં હાજર ૬૦ વર્ષીય રમણભાઈ સોમાભાઇ પટેલને પણ અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી ભયંકર હતી કે રમણભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયો કાર રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી જવાના કારણે અંદર બેઠેલા અન્ય પેસેન્જરોને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, કાર ચલાવી રહેલા ડ્રાઇવર મુસ્તકીમખાનને પણ ગંભીર ઈજાઓ થતાં તેમનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તો તથા મૃતદેહોને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે મૃતક રમણભાઈના ભત્રીજા કિરણભાઈ ડાહયાભાઈ પટેલ (ઉંમર ૫૦), જેઓ મૂળ મોતીપુરાના વતની છે અને હાલ અમદાવાદના વ†ાલ વિસ્તારમાં રહે છે, તેમણે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કિરણભાઈ તેમના સાસરે ગોવિંદપુરા આવ્યા હતા, ત્યારે રવિવારે સવારે પોણા દશેક વાગ્યે તેમના કુટુંબી ભાઈ રાજેન્દ્રકુમારે ફોન પર અકસ્માતની જાણ કરી હતી. સિવિલ હોસ્પિટલ પહોંચીને કિરણભાઈએ તેમના કાકાના મૃતદેહની ઓળખ કરી હતી. બીજી તરફ, કાર ચાલક મુસ્તકીમખાનના મૃતદેહની ઓળખ તેમના સંબંધી ઐયુબભાઇ ઇસ્માઇલભાઇ દાઉવા દ્વારા કરવામાં આવી હતી.
વિજાપુર પોલીસે કિરણભાઈની ફરિયાદના આધારે મૃતક સ્કોર્પિયો ચાલક મુસ્તકીમખાન વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૧૦૬,૧૨૫,૧૨૫ અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કમલેશભાઈ ચૌહાણને સોંપવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.