સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ, ઉભા પાકને બચાવવા તાત્કાલિક સિંચાઈ જરૂરી.
બાલાસિનોર તાલુકામાં ચોમાસાની શઆત બાદ અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના અભાવે ખેતરોમાં વાવેતર કરાયેલા પાકને પૂરતું પાણી મળી રહ્યું નથી, જેના કારણે ખેડૂતો હવે સિંચાઈ માટે કેનાલના પાણીની આશા રાખી રહ્યા છે.
તાલુકાના અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ કરીને વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ વરસાદ ખેંચાતા ઉભા પાકને સમયસર પાણી આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે અને સિંચાઈની વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ ખેડૂતોનું કહેવું છે કે સુજલામ-સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, તો કેનાલ નજીકના વિસ્તારોના ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળી શકે છે. વરસાદના અભાવે પાકને બચાવવા માટે હવે કેનાલનું પાણી ખેડૂતો માટે મહત્વનું બની ગયું છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા અંગે નિર્ણય લેવામાં આવે, જેથી ખેડૂતોનો મહેનત અને ખેતી પાછળ થયેલો ખર્ચ વ્યર્થ ન જાય.
વરસાદની વધુ રાહ જોવી પડે તો ઉભા પાક પર તેની ગંભીર અસર થઈ શકે તેવી સ્થિતિ વચ્ચે હવે તંત્ર ખેડૂતોની પાણીની માંગને કેટલી ગંભીરતાથી લે છે અને કેનાલમાં પાણી ક્યારે છોડે છે, તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.