વડોદરા રેન્જની મહિલા ખો-ખો ટીમે DGP કપ જીત્યો :છોટાઉદેપુરની 8 ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું

પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની DGP કપ મહિલા ખો-ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફી જીતી છે. ફાઇનલ મેચમાં હરીફ ટીમને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વિજેતા ટીમમાં છોટાઉદેપુર જીલ્લાની આઠ ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓ ગુજરાતની 12 સભ્યોની નેશનલ ખો-ખો ટીમ માટે પણ પસંદગી પામી છે. આ ટીમ હવે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. છોટાઉદેપુરનાSP ઈમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું સન્માન કરી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ મહિલા ખેલાડીઓ પોલીસ વિભાગની ફરજો અને પારિવારિક જવાબદારીઓ નિભાવવા છતાં રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે, જે તેમના દ્રઢ સંકલ્પ અને પરિશ્રમનું ઉદાહરણ પૂરૂં પાડે છે. જઙ ઈમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, “આ વિજય ’ફિટ ઇન્ડિયા’ અને ’ખેલો ઇન્ડિયા’ અભિયાનની સફળતાનો પુરાવો છે. પોલીસ વિભાગની મહિલા કર્મીઓએ દર્શાવ્યું છે કે ફરજ, પરિવાર અને રમત-ત્રણેયને એકસાથે ન્યાય આપી શકાય છે.” તેમણે ઉમેર્યું કે, છોટાઉદેપુરની આ મહિલાઓએ ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.