વડોદરામાં વીજીએલ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો

એક તરફ મધ્યમવર્ગીય પરિવારો પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યાં વડોદરાવાસીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં પૂરા પાડવામાં આવતા પાઈપલાઈન ગેસ અને સીએનજીના ભાવમાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવવધારાને કારણે ગૃહિણીઓના રસોડાના બજેટથી લઈને વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર પડવાની છે.

કંપની દ્વારા ઘરવપરાશ માટે પાઇપલાઇન મારફતે અપાતા પીએનજી ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. ૧.૫૦ નો સીધો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે જ હવે વડોદરાના લાખો ઘરેલુ ગ્રાહકોએ પીએનજી માટે રૂ. ૫૭.૭૪ પ્રતિ યુનિટ ચૂકવવા પડશે, જેના કારણે મધ્યમવર્ગીય પરિવારોના માસિક ખર્ચમાં સીધો વધારો થશે અને ગૃહિણીઓનું બજેટ બગડશે.

માત્ર રસોડે જ નહીં, પરંતુ રસ્તા પર પણ મોંઘવારી નડવાની છે. વીજીએલ દ્વારા વાહનોમાં વપરાતા ઝ્રદ્ગય્ ગેસના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ. ૧ નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે જ હવેથી વડોદરામાં ઝ્રદ્ગય્ નો નવો ભાવ રૂ. ૮૩.૯૫ પ્રતિ કિલો થઈ ગયો છે. આ વધારાની સીધી અસર ઓટો રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઈવરો અને રોજબરોજ અપડાઉન કરતા ખાનગી વાહનચાલકો પર પડશે, જેનાથી સરવાળે પરિવહન ખર્ચ પણ વધવાની શક્યતા છે.

નોંધનીય છે કે, માત્ર પાંચ મહિના પહેલા જ વીજીએલ દ્વારા ગેસના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી આ ઝટકો આપવામાં આવ્યો છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ભાવવધારા પાછળ વૈશ્વીક કારણો જવાબદાર છે. મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં મોટી અનિશ્ચિતતા ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસ અને ઈંધણના ભાવ સતત વધી રહ્યા હોવાથી, ગેસ વિતરણ કંપનીઓ આ આર્થિક બોજ ગ્રાહકો પર નાખવા મજબૂર બની છે.