
હાલ ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યભરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચવાના નાના-નાના કૌભાંડના પર્દાફાશ થઈ રહ્યા છે. આવો જ એક રાજ્યવ્યાપી કિસ્સો હાલ સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ની ટીમે ચાઈનીઝ દોરીને લઈ ’ઓપરેશન દોરી’ નામે મોટી કાર્યવાહી કરી અધધ ૨ કરોડ ૩૪ લાખથી વધુનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, તાજેતરમાં અમદાવાદના સાણંદના એક ફાર્મમાં ચાઈનીઝ દોરીના વેચાણનું મોટું કૌભાંડ પકડાયું હતું, જે બાદ આ કેસના તાર છેક દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી સાથે જોડાયેલા જણાતા પોલીસે ત્યાં કાર્યવાહી કરી આ ચાઈનીઝ દોરી બનાવતું કારખાનું સીલ કરી દીધું છે. હાલ આ ચાઈનીઝ દોરી જે જગ્યાએ બનાવવામાં આવતી હતી તે ફેક્ટરીને સીલ કરવામાં આવી છે અને પોલીસે સાણંદ, બાવળા, વટામણ સહિતના સ્થળોએથી આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી કબ્જે કરી છે.
વિગતવાર વાત કરીએ તો, ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્એ ’ઓપરેશન દોરી’ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત સાણંદના રમણગઢ ગામમાં ચાઈનીઝ દોરી વેચાતી હોવાની બાતમી મળતા પોલીસે ભીખાભાઇ શાંતિભાઈ રાણાના સાણંદના ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. જ્યાંથી ૩૯ બોક્સમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૧૮૭૨ રીલ (૭ લાખ ૪૮ હજાર ૮૦૦ની કિંમતનો) જપ્ત કરી છે. સાથે જ આણંદ શહેરમાંથી પણ પોલીસે કુલ રૂ. ૨.૦૧ લાખનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે અને આ મામલે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા આ આરોપીઓની પૂછપરછ કરતા અમદાવાદ-સાણંદમાંથી મળેલા આ ચાઈનીઝ દોરીના જથ્થાનું પગેરું દાદરા નગર હવેલીમાં નીકળ્યું હતું. પોલીસ તપાસમાં આ ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ વાપીના વિરેનકુમાર પટેલે મોકલ્યો હોવાનું ખુલ્યું છે. જે બાદ પોલીસે દાદરા નગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી હતી અને વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂપિયા ૧.૫૦ કરોડ કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૪૩,૧૯૨ રીલ જપ્ત કરી છે.
આ ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સામે મેગા ઓપરેશન હાથ ધરી અમદાવાદ-સાણંદ તથા દાદરા નગર હવેલીમાં કડક કાર્યવાહી હાથ ધરી છે, હાલ આ મામલે પોલીસે દાદરા નગર હવેલી ખાતે આ ચાઈનીઝ દોરી બનાવતા કારખાનાને સીલ કરી દીધું છે અને આ કેસમાં મશીનરી અને મટીરીયલ સહિત કુલ રૂ. ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, આ સમગ્ર ઓપરેશન દરમિયાન ૬ કેસ નોંધવામાં આવ્યા છે અને ૧૫થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી વિરેન હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે મોટાભાગના આરોપી નાના મોટો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે. આમ આ ચાઈનીઝ દોરી વેચાણ માટેના મોટા રેકેટનું નેટવર્ક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલું હોવાનું હાલની તપાસમાં જાણવા સામે આવ્યું છે.