
દિલ્હીની એક કોર્ટે ઉપહાર સિનેમા આગ દુર્ઘટનામાં દોષિત સુશીલ અંસલ સામે ફોજદારી કેસ છુપાવવા અને પાસપોર્ટ રિન્યુઅલ માટે ખોટું નિવેદન જારી કરવા બદલ ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ સુશીલ અંસલ સામેનો એક અલગ કેસ છે, જે ઉપહાર અગ્નિ દુર્ઘટના કેસમાં દોષિત ઠેરવ્યા પછી ઉભો થયો હતો.
પટિયાલા હાઉસ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રિયા અગ્રવાલે ૨૮ નવેમ્બરના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે અંસલ સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પ્રાથમિક પુરાવા છે. તેમના પર ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૧૭૭ (જાહેર સેવકને ખોટી માહિતી આપવી), ૧૮૧ (સોગંદનામા પર ખોટું નિવેદન આપવું) અને પાસપોર્ટ કાયદાની કલમ ૧૨ (પાસપોર્ટ સંબંધિત ગુનાઓ) હેઠળ આરોપ મૂકવામાં આવશે. આ કેસમાં આગામી સુનાવણી ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ થશે.
કોર્ટને જાણવા મળ્યું કે અંસલે ૨૦૧૩ માં તેમની તત્કાલ પાસપોર્ટ અરજી સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં તેમના વિરુદ્ધ પેન્ડિંગ ફોજદારી કેસ અને સજાની વિગતો જાણી જોઈને છુપાવી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર, આ છુપાવવું પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને તેમને પાસપોર્ટ જારી કરવા માટે પ્રેરિત કરવા માટે કરવામાં આવ્યું હતું. ન્યાયાધીશે એ પણ નોંયું કે અંસલે માત્ર દોષિત ઠરાવવામાં આવેલા કેસ અને બાકી રહેલા હ્લૈંઇ વિશેની માહિતી છુપાવી ન હતી, પરંતુ તેના અગાઉના સરનામાની સાચી વિગતો પણ આપી ન હતી, જેથી તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ જાહેર ન થઈ શકે. આ કથિત ખોટા નિવેદનો ૨૦૧૩ અને ૨૦૧૮ માં બે અલગ અલગ પ્રસંગોએ આપવામાં આવ્યા હતા.
કોર્ટે તેના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે આરોપી દ્વારા અજાણતા ભૂલ ની કબૂલાત તેના અગાઉના ગુનાને ઘટાડી શક્તી નથી, કારણ કે આરોપીએ ગેરમાર્ગે દોરતી ઘોષણાઓ પર આધારિત મૂલ્યવાન દસ્તાવેજ (પાસપોર્ટ) નો ઉપયોગ કર્યો હતો, જે કાયદાકીય આવશ્યક્તાઓનું ઉલ્લંઘન કરે છે.
કોર્ટે બચાવ પક્ષના દાવાને ફગાવી દીધો કે લેખિત ફરિયાદનો અભાવ કાર્યવાહીને અવરોધે છે. કોર્ટે જણાવ્યું હતું કે કેસ દિલ્હી હાઈકોર્ટના નિર્દેશના પરિણામે શરૂ કરવામાં આવ્યો હતો, જે, સંજ્ઞાન લેવાના હેતુથી, વહીવટી રીતે ઉચ્ચ સરકારી સેવકના નિર્દેશ સમાન છે.