ગૌહત્યા રોકવા ગયેલા ગૌરક્ષકનું માથું ફોડી પોલીસના હાથ-પગ તોડ્યા:50ના ટોળાનો તલવાર-પથ્થરોથી હુમલો, હિંસક અથડામણ બાદ SP એક્શનમાં, કાફલાએ એક-એકને દબોચ્યા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગઇકાલે મોડીરાત્રે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસ ટીમ પર હિંસક હુમલો થયો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક ગૌરક્ષક ઘાયલ થયો હતો. આ ઘટના બાદ આજે સુરત જિલ્લા પોલીસની ફોજ હથોડા ગામમાં ઉતારી દેવામાં આવી છે. બીજી તરફ ગૌરક્ષકોએ પોલીસની ઢીલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.

હથોડા ગામમાં પોલીસની 15 ટીમો ઊતરી સુરત ગ્રામ્ય DySP બી.કે. વનારની આગેવાની હેઠળ 7 PI, 15 PSI સહિત 15 પોલીસ ટીમે ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આ કોમ્બિંગ દરમિયાન કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓને ગામમાંથી ઝડપી તેમને વધુ પૂછપરછ માટે કોસંબા પોલીસ મથકે લઈ જવામાં આવી છે.

પહેલા જાણી લો કે સમગ્ર મામલો શું છે સુરત જિલ્લાના કોસંબા પાસે આવેલા હથોડા ગામમાં ગૌહત્યાની બાતમીના આધારે ગઇકાલે પોલીસ જવાનો અને ગૌરક્ષકો ગામમાં ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર રહેલાં અસામાજિક તત્ત્વોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવના માથાના ભાગે તલવારના ગંભીર ઘા વાગતાં તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ હિંસક અથડામણમાં ઘાયલ થયેલા પોલીસ જવાનો હાલ કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બાઇક પર આવેલા શખસોએ 50નું ટોળું બોલાવ્યું: જિલ્લા પોલીસવડા આ મામલે સુરત જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે રાત્રે દોઢથી બે વાગ્યાના ગાળામાં કોસંબાના હથોડા ગામમાં ગૌહત્યાની બાતમી મળતાં બાતમીદાર સાથે અમારો છ લોકોનો પોલીસ સ્ટાફ ગામમાં ગયો હતો. રાત્રે અંધારામાં બેટરીના અજવાળે અમારો સ્ટાફ સર્ચ કરતો હતો ત્યારે અચાનક છ જેટલા શખસ બે બાઇક લઇને આવ્યા હતા અને પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. એ બાદ તેમણે ફોન કરીને અન્ય 50 જેટલા શખસને બોલાવ્યા હતા. આ ટોળાએ રકઝક બાદ પોલીસ અને બાતમીદાર પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.

એસ.પી રાજેશ ગઢિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમારા પોલીસકર્મીની ફરિયાદ મુજબ અમે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ DySP બી.કે. વનારની આગેવાની હેઠળ અમારી ટીમ તપાસ કરી રહી છે. કેટલાક આરોપીઓને ઝડપી લીધા છે, જેમનો શું રોલ હતો એ અંગે તપાસ ચાલી રહી છે. કાયદો હાથમાં લેનારા કોઈપણ શખસને છોડવામાં આવશે નહીં અને એફએસએલ (FSL)ની મદદથી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરી તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

આ અંગે ગૌરક્ષક સાજન ભરવાડે જણાવ્યું હતું કે કોસંબાના હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ-હત્યા થવાની છે એ બાતમી મળતાં અમારા જય પટેલે LCBનો સંપર્ક કર્યો અને LCBના સ્ટાફ સાથે હથોડા ગામમાં જવા નીકળ્યા હતા. થોડે દૂર હતા એટલે વિધર્મીઓનું એક ટોળું ભેગું થઈ ગયું હતું. રસ્તો આંતરી પોલીસ અને અમારા ગૌરક્ષકો ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં અમારા ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે 15થી 20 ટાંકા આવેલા છે. પોલીસના પણ બે માણસ ઘાયલ થઈ ગયા છે, એક પોલીસનો પણ હાથ તૂટી ગયો છે.

જયભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘટના બાદ પ્રશાસને કોમ્બિંગ કરીને 25 જણાની અટકાયત કરી છે, પણ સ્થળ પર ખાખી પહેરેલી હતી એ લોકોને ખાખીનો પણ ડર નહોતો અને ત્યાંના સ્થાનિક પી.આઈ. કમરે બંદૂક લટકાવીને ત્યાં સ્થળ પર હતા. તો સરકારે શું આ સ્થાનિક પી.આઈ.ને આ પોલીસ ઓફિસરોને બંદૂક લગ્ન સિઝનમાં ફોડવા માટે આપેલી છે કે આ ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે આપેલી છે.?