સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં નવપરિણીત દંપતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. રાજપુત ફળિયામાં રહેતા ૨૪ વર્ષીય ભાવેશ ચુડાસમા અને તેમની ૨૩ વર્ષીય પત્ની તેજલ ચુડાસમાએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માહિતી અનુસાર, ઘટના એક જ રૂમમાં બની હતી જ્યાં પત્ની તેજલબેને કપડાં ધોવાના સ્થળ પાસે છતમાં લગાવેલા લોખંડના હૂક સાથે નાયલોનની પટ્ટી બાંધી ફાંસો ખાધો હતો. બીજી તરફ પતિ ભાવેશભાઈએ સીલિંગ ફેનના હૂક સાથે દોરી બાંધી આત્મહત્યા કરી હતી. એકસાથે બંનેના મૃતદેહ લટકતા જાવા મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
આ દંપતીના લગ્નને હજુ માત્ર એક વર્ષ જ થયું હતું. પડોશીઓ મુજબ, બંને વચ્ચે કોઈ ગંભીર મતભેદ કે ઝઘડો ક્યારેય સામે આવ્યો નહોતો. આમ છતાં આકસ્મિક રીતે લીધેલા આ પગલાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
ઘટનાની જાણ થતા જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને નીચે ઉતારી કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેથી આત્મહત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દંપતીના મોબાઇલ ફોન અને અન્ય પુરાવા કબજે કરીને તેઓના અંતિમ સમયના સંપર્કો અને માનસિક સ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીપી કક્ષાના અધિકારી દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
મૃતકના પરિવારજનો દ્વારા આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે આત્મહત્યાના સાચા કારણો સામે આવે અને તેમને ન્યાય મળે તે જરૂરી છે.