
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર ફરી એકવાર ફિલ્મી અંદાજની લૂંટની ઘટનાથી દચકાઈ ગયું છે. રામનગરથી મોરાભાગળ વચ્ચેના વ્યસ્ત માર્ગ પર ચાર શખ્સોએ અકસ્માતનું નાટક રચી કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા બે ભાઈઓને નિશાન બનાવી રૂપિયા ૩૫ લાખની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
કીમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય કરતા શિવરત્ન અને અંકિત નામના બે ભાઈઓ ૩૫ લાખની રોકડ રકમ લઈને ભાગળ ચાર રસ્તા પાસે આવેલી આંગડિયા પેઢીમાંથી નીકળ્યા હતા. તેઓની ટોયોટા ફોર્ચ્યુનર કારને રામનગરથી મોરાભાગળ વચ્ચે ટક્કર મારીને રોકડ ભરેલી બેગ લૂંટી લીધી. લૂંટારૂઓએ આંગડિયા પેઢી પાસે જ રેકી કરી હતી.
રામનગરથી મોરાભાગળ વચ્ચેના માર્ગ પર ટક્કર બાદ બંને ભાઈઓ પરિસ્થિતિ સમજવા માટે કારમાંથી ઉતર્યા. એ જ સમયે ચારેય શખ્સોએ કારનો કાચ તોડી રોકડ ભરેલી બેગ લઈને પલાયન કરી ગયા. આ સમગ્ર ઘટના મિનિટોમાં બની ગઈ અને આસપાસના લોકો કંઈ સમજી શકે તે પહેલાં જ લૂંટારૂઓ નજરોથી ઓઝલ થઈ ગયા.
પોલીસે ફૂટેજ કબજે કરી લૂંટારૂઓની ઓળખ માટે તપાસ શરૂકરી છે. શહેરના વિવિધ ચેકપોસ્ટ પર એલર્ટ જાહેર કરાયો છે અને સંદિગ્ધ વાહનોની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના સંપૂર્ણપણે આયોજનબદ્ધ હોવાનું અનુમાન છે. પોલીસે નાગરિકોને મોટી રકમ સાથે સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ ઘટનાએ શહેરના વેપારીઓમાં િંચતા ફેલાવી છે. ખાસ કરીને આંગડિયા પેઢીઓ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં સુરક્ષા અંગે સવાલો ઉભા થયા છે. વેપારી સંગઠનોએ પોલીસને વધુ પેટ્રોિંલગ અને સખત કાર્યવાહી કરવાની માંગણી કરી છે. હમણાં સુધી અજાણ્યા ચાર શખ્સોની ધરપકડ માટે તાબડતોબ કામગીરી હાથ ધરાઈ છે.
રામનગર અને મોરાભાગળ વચ્ચે ચાર શખ્સોએ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા બે ભાઈઓને નિશાન બનાવી ૩૫ લાખની લૂંટ કરી. આ લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. શહેરના વિવિધ ચેકપોસ્ટ પર એલર્ટ જાહેર કરાયો છે અને લૂંટારૂઓના સર્ચ માટે વિવિધ તપાસ ચાલી રહી છે.