સુરત કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’, ૪૦ ઉમેદવારો ગુપ્ત સ્થળે ખસેડાયા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન સર્જાયેલા નિલેશ કુંભાણી પ્રકરણમાંથી પાઠ લઈને કોંગ્રેસે આ વખતે ખાસ રણનીતિ અપનાવી છે. પક્ષે પોતાના આશરે ૪૦ મજબૂત ઉમેદવારોને શહેરથી દૂર ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે, જેથી કોઈ પણ પ્રકારની રાજકીય હસ્તક્ષેપ અથવા “ખેલ” ફરી ન થાય.

કોંગ્રેસે જીતની સંભાવના ધરાવતી બેઠકોના ઉમેદવારો માટે શહેર બહાર અલગ-અલગ અજ્ઞાત લોકેશન પર ‘સેફ હાઉસ’ તૈયાર કર્યા છે. આ સ્થળોની માહિતી માત્ર ચૂંટાયેલા થોડા પ્રદેશ નેતાઓ સુધી મર્યાદિત રાખવામાં આવી છે. ઉમેદવારોને બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડી દેવા માટે તેમના મોબાઈલ ફોન પણ જમા કરાવી દેવામાં આવ્યા છે.

અજ્ઞાત સ્થળે રહેલા ઉમેદવારોને પરિવાર કે અન્ય કોઈ સાથે સંપર્ક ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને તેમના ફોન બંધ રાખવામાં આવ્યા છે, જેથી કોઈ પ્રકારનો દબાણ કે લાલચ પહોંચે નહીં. કોઈ નેતા અથવા કાર્યકરને પણ આ સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી નથી.

ઉમેદવારો ભલે ગુપ્ત સ્થળે હોય, તેમ છતાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ અને નિવાસસ્થાન પર પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈ સંદેશ લીક ન થાય અને વિરોધી પક્ષના લોકો સંપર્ક ન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દરેક ઉમેદવાર સાથે બે વિશ્વાસુ ‘શેડો’ કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. આ કાર્યકરો ઉમેદવારોની જરૂરિયાતો પૂરી કરે છે અને તેમની હિલચાલ પર નજર રાખે છે. કોઈ ઉમેદવાર બહાર જવાનો કે સંપર્ક કરવાનો પ્રયાસ કરે તો તરત જ હાઈકમાન્ડને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસમાં સૌથી મોટો ડર નિલેશ કુંભાણી જેવી ઘટનાનું પુનરાવર્તન થવાનો છે. અગાઉ જે રીતે અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી, તેવું ફરી ન બને તે માટે આ વખતે પક્ષે આક્રમક અને ગોપનીય વ્યૂહરચના અપનાવી છે. જીતની સંભાવના ધરાવતા ઉમેદવારોને ચૂંટણી સુધી સુરક્ષિત રાખવા માટે આ અત્યાર સુધીની સૌથી મોટી આંતરિક કવાયત માનવામાં આવી રહી છે.