
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હાલમાં તણાવપૂર્ણ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ૧૬ ડિસેમ્બરે યોજાયેલી આઇપીએલ મીની-ઓક્શનમાં બાંગ્લાદેશી મુસ્તફિઝુર રહેમાનને હસ્તગત કર્યો હતો. આ પછી, ફ્રેન્ચાઇઝી અને તેના માલિક, શાહરૂખ ખાનને વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો, અને ચાહકોમાં ગુસ્સો વધી રહ્યો હતો. પરિણામે,બીસીસીઆઇએ કેકેઆરને મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો. કોલકાતાએ તેનું પાલન કર્યું અને બાંગ્લાદેશી ખેલાડીને મુક્ત કર્યો. હવે, બાંગ્લાદેશના રમતગમત સલાહકાર, આસિફ નઝરુલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
આસિફ નજરુલે મીડિયાને જણાવ્યું હતું કે, મેં માહિતી અને પ્રસારણ સલાહકારને બાંગ્લાદેશમાં આઇપીએલનું પ્રસારણ સ્થગિત કરવા વિનંતી કરી છે. કોઈપણ સંજોગોમાં અમે બાંગ્લાદેશી ક્રિકેટ, ક્રિકેટરો અથવા બાંગ્લાદેશ પ્રત્યે કોઈ અપમાન સહન કરીશું નહીં. ગુલામીના દિવસો પૂરા થઈ ગયા છે.
વધુમાં, આસિફે રમતગમત મંત્રાલયને આ મામલો આઇસીસીને લેખિતમાં મોકલવા અને તેનો ખુલાસો કરવા જણાવ્યું છે. તેમણે આગામી વર્લ્ડ કપમાં ભારતમાં યોજાનારી બાંગ્લાદેશની મેચોને શ્રીલંકામાં ખસેડવા અંગે ફેસબુક પર પણ ચર્ચા કરી છે.
રમતગમત મંત્રાલયના સલાહકાર તરીકે, મેં બોર્ડને આ સમગ્ર મામલો આઇસીસીને લેખિતમાં મોકલવા અને તેનો ખુલાસો કરવા કહ્યું છે. બોર્ડે સ્પષ્ટ કરવું જોઈએ કે જો કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર કરાર હેઠળ હોવા છતાં ભારતમાં રમી શક્તો નથી, તો બાંગ્લાદેશની ટીમ ત્યાં જઈને વર્લ્ડ કપમાં રમવાનું સુરક્ષિત અનુભવશે નહીં. મેં બોર્ડને બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં યોજવા માટે ઔપચારિક વિનંતી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.