
છેલ્લા બે દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં અલગ અલગ ૪ જગ્યાએ રેઈડ પાડી કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવતા ચારેય તરફ ખળભળાટ મચ્યો છે.એસએમસીની ટીમે ગત ૧૯ તથા ૨૦મી જુને મોરબી જીલ્લાના વાંકાનેર સિટીમાં ૫૫ લાખથી વધુનો, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૭૦ લાખથી વધુનો, બોટાદ જીલ્લાના ઢસા વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો તથા રાજકોટ ગ્રામ્યના પડધરીમાંથી ૯.૭૦ લાખથી વધુનો મળી કૂલ ૧.૭૫ કરોડથી પણ વધુ રુપિયાનો વિદેશી દારુ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ પાડીને ૭૦ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ એક કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પીઆઇ વિક્રમ વસાવાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ આર.કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી ૭૦ લાખથી વધુની કિંમતની ૨૬,૩૦૪ જેટલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી પરેશકુમાર પટેલ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. પરેશકુમાર પટેલની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, પોતે દારૂ પીવાની ટેવ વાળો હોવાથી ફિરોઝ મેણુ ઉર્ફે ફિરોઝ સંધિ જંગલેશ્વર વાળા પાસેથી અવારનવાર દારૂની બોટલ મંગાવતો હતો. તેમજ પોતે છેલ્લા એકાદ વર્ષથી તેની સાથે પરિચયમાં પણ હતો. ફિરોજ સંધિ દ્વારા ૪૦,૦૦૦માં જગ્યા પણ ભાડે રાખવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, ફિરોજ સંધિએ પરેશકુમાર પટેલને જણાવ્યું હતું કે, પોતાની ગાડી આવવાની છે અને માલ બીજા વાહનોમાં ટ્રાન્સફર કરવાનો છે. જેથી મારા શેઠ નજીક વાહન ઊભા રાખીને માલ ટ્રાન્સફર થાય તો કોઈ તકલીફ નહીં પડે તેમ જ કોઈને શક પણ નહીં જાય. દરમિયાન ૧૯ તારીખના રોજ ફિરોજ સંધિ તેમજ તેનો ભાઈ સુલતાન સંધિ બંને અલગ અલગ ગાડી લઈને સ્થળ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન પોલીસની રેઇડ પડતા બંને ભાઈઓ ગાડી લઈને ત્યાંથી નાસી ગયા હતા.
હાલ આ સમગ્ર મામલાની તપાસ રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી. આર. ચૌહાણને સોંપવામાં આવી છે. તેમજ બનાવ સંદર્ભે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે એસએમસીના અધિકારી દ્વારા પ્રોહિબિશન એક્ટ સહિતની કલમ અંતર્ગત પરેશકુમાર પટેલ, ટ્રકનો અજાણ્યો ડ્રાઇવર, વિદેશી દારૂનો જથ્થો મોકલનાર, ફિરોજ સંધિ તેમજ તેનો ભાઈ સુલતાન સંધિ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.નોંધનીય છે કે, ફિરોઝ સંધિ વિરુદ્ધ વર્ષ ૨૦૦૦થી ૨૦૨૫ દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર પોલીસના ચોપડે હત્યા, આર્મ્સ એક્ટ, મારામારી, પ્રોહિબીશન સહિતના ૩૩ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ૬ વખત પાસા હેઠળ નડિયાદ, મહેસાણા અને સુરત, અમદાવાદ સહિતની જેલની હવા ખાઈ ચૂક્યો છે.
ઉલ્લેખનિય છે કે, દાહોદ એલ.સી.બી. પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન ટ્રકના પાછળના ભાગમાં બનાવેલા ચોરખાનામાંથી રૂ. ૧ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે હાથ ધરેલા આ ઓપરેશનમાં ટ્રકમાંથી કુલ રૂ. ૧,૨૯,૦૬,૬૦૬નો વિદેશી દારૂ શોધી કાઢ્યો હતો; આ મામલે પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ. ૧,૫૪,૧૧,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ તરફ, સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસે કચોલીયા ગામની સીમમાંથી ટ્રકમાં બનાવેલા એક અદભુત ચોરખાનામાંથી રૂ. ૩૫ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. પોલીસે દરોડો પાડી ટ્રકની ઉપર લાકડા અને નીચે બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૪,૪૭૨ બોટલો (કિંમત રૂ. ૩૫,૮૬,૮૧૨) તથા ટ્રક સહિત કુલ રૂ. ૫૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે; પોલીસ પણ એ જોઈને ચોંકી ઉઠી હતી કે આ ચોરખાનામાં ૬થી ૭ વ્યક્તિઓ આરામથી હરી-ફરી શકે તેટલી જગ્યા હતી, ત્યારે આ મામલે ટ્રકના ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત કુલ ૬ શખ્સો સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, આવી જ રીતે સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર વૈભવી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂની થઈ રહેલી હેરફેરનો એલ.સી.બી. પોલીસે પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. એલ.સી.બી. પોલીસની ટીમે હાઈવે પર સર્કિટ હાઉસ નજીકથી એક શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને આંતરીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની નાની ૪,૫૬૦ બોટલો (કિંમત રૂ. ૬,૮૪,૦૦૦) મળી આવી હતી, જોકે પોલીસને જાઈને કારનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.