સોલાપુરમાં કૂવો ખોદતી વખતે પથ્થરનો કાટમાળ પડી જવાથી ચાર મજૂરોના મોત

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. સોલાપુર જિલ્લાના પંઢરપુર તાલુકાના અંબે ગામમાં કૂવો ખોદતી વખતે પથ્થરનો કાટમાળ પડી જવાથી ચાર મજૂરોના મોત થયા. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી, જેના કારણે વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

સોલાપુરમાં થયેલા આ દુઃખદ અકસ્માત અંગે, જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. કાર્તિકેયનએ જણાવ્યું હતું કે બ્લાસ્ટિંગમાં વપરાતા રસાયણો નક્કી કરવા માટે કૂવામાંથી કાઢવામાં આવેલા પથ્થરોની તપાસ કરવામાં આવશે. વધુમાં, સોલાપુર જિલ્લામાં પરવાનગી સાથે અને વગર ખોદવામાં આવેલા કુવાઓનો સર્વે કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ ૧૨ કલાકથી વધુ સમય સુધી સ્થળ પર હાજર રહ્યા હતા.એનડીઆરએફએ અહેવાલ આપ્યો હતો કે આ ઘટનામાં ચાર કામદારોના મોત થયા હતા.

બીજી તરફ, મહારાષ્ટના થાણેમાં પણ એક દુઃખદ અકસ્માત થયો છે. સોમવારે સવારે છઠ પૂજા દરમિયાન તળાવમાં નાહવા જતા ૨૦ વર્ષીય વ્યક્તિ ડૂબી ગયો. મૃતકની ઓળખ પ્રદીપ ગુલાબ વિશ્વકર્મા તરીકે થઈ છે. આ અકસ્માત કાલવા રેલ્વે સ્ટેશન નજીક મફતલાલ કમ્પાઉન્ડમાં સ્થિત તળાવમાં થયો હતો. પ્રદીપ છઠ પૂજા વિધિ માટે તળાવમાં ઉતર્યો હતો. આ સમય દરમિયાન, તે પાણીની ઊંડાઈનો અંદાજ લગાવવામાં નિષ્ફળ ગયો અને ડૂબી ગયો. લગભગ ૪૫ મિનિટના પ્રયાસ પછી, સવારે ૭ઃ૧૫ વાગ્યે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.

આ પહેલાં, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં, એક ઝડપી ખાનગી બસ પુલની રેલિંગ તોડીને નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને લગભગ ૨૦ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી, ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે ૧૧ વાગ્યાની આસપાસ ખામગાંવ-પંઢરપુર રાષ્ટÙીય ધોરીમાર્ગ પર શિંદેવાડી ક્રોસિંગ પાસે બની હતી. કારમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ તુલજાપુરના દર્શન કરવા જઈ રહ્યા હતા.