શ્રાવણ માસ દરમિયાન ઝાલોદમાં કતલખાના અને મટનશોપ બંધ કરાવવા વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત

લાયસન્સ વગર ચાલતી દુકાનો સામે કાયમી કાર્યવાહી કરવાની પણ માંગ મંદિરો તરફ જતા જાહેર માર્ગો પર આવેલી મટનશોપ અંગે તંત્રનું ધ્યાન દોરાયું.

ઝાલોદ નગરમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના તથા નોનવેજના વેચાણને બંધ કરાવવા બાબતે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ઝાલોદ મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે, ઝાલોદ નગરના જાહેર રસ્તાઓ પર મોટી સંખ્યામાં મટનશોપ તથા કતલખાના આવેલા છે. આ તમામ દુકાનદારો સરકારના નિયમો મુજબ જ‚રી લાયસન્સ ધરાવે છે કે નહીં તેની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કોઈ દુકાનદાર જ‚રી લાયસન્સ વગર ધંધો કરતો હોવાનું જણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી દુકાન કાયમી ધોરણે બંધ કરાવવા પણ માંગ કરવામાં આવી છે.

હાલ હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મટનશોપ તથા કતલખાના સંપૂર્ણપણે બંધ રાખવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે, ભૂતકાળમાં પોલીસ તંત્ર દ્વારા કેટલાક કતલખાના પર રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં ફરીથી આવી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે અને નગરમાં મટનશોપ તથા કતલખાનાઓની સંખ્યા વધતી જતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદે ઝાલોદના ગીતા મંદિર, રામદ્વારા મંદિર, મઠ ફળિયામાં આવેલા કાલકા માતા મંદિર, રાધેકૃષ્ણ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જતા લોકોને મટનશોપ તથા કતલખાના પાસેથી પસાર થવું પડતું હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવ્યો હતો.

આથી તંત્ર દ્વારા સમગ્ર મામલે કડક તપાસ હાથ ધરી, શ્રાવણ માસ દરમિયાન આવી દુકાનો બંધ રાખવા તેમજ સરકારના નિયમો મુજબ જ‚રી લાયસન્સ ન ધરાવતા કતલખાના અને મટનશોપ સામે કાયદેસરની કાર્યવાહી કરી કાયમી ધોરણે બંધ કરાવવા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે.